જૂનાગઢ શહેરમાં રસ્તા રીપેરીંગ કામમાં વ્યાપક કૌભાંડની આશંકા
રસ્તો બનાવી અને વારંવાર વિવિધ કામગીરી અંતર્ગત તોડી અને ફરી પાછો બનાવવાની કામગીરીનાં મસમોટા બીલ મુકવામાં આવતા હોવાનો સનસનીખેજ આક્ષેપ
જૂનાગઢ તા.28
જૂનાગઢ શહેરનાં લોકો ઘણા લાંબા સમયથી રસ્તાની બદતર હાલતને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરી રહયા છે. અનેકવાર રજુઆતો કરવા છતાં પણ આજ દિવસ સુધી નવા રસ્તા બનાવવામાં આવ્યા નથી. અને બનાવવામાં આવ્યા હોય તો થોડાક જ સમયમાં રસ્તાનો કચ્ચરઘાણ વળી જતો હોવાની વ્યાપક ફરીયાદ ઉઠવા પામી છે. રાજય સરકાર દ્વારા જૂનાગઢ શહેરનાં રસ્તાઓને સુવિધાજનક બનાવવા માટે નાણાંની ફાળવણી કરવામાં આવતી હોવા છતાં પણ શા માટે રસ્તા સારા બનાવવામાં આવતા નથી ? તેવો સવાલ આજે સર્વત્ર ચર્ચાનો વિષય બનેલ છે. દરમ્યાન રસ્તાનાં પ્રશ્ને મોટુ કૌભાંડ ચાલી રહયું હોવાની વિગતો ભારે ચર્ચાસ્પદ બની છે. અને જાે આ બાબત સત્ય હોય તો તાત્કાલીક ઉચ્ચ સ્તરીય સમીતીની રચના કરી અને રસ્તાનાં કૌભાંડ અંગેની તપાસ કરવાની માંગણી ઉઠવા પામી છે. જૂનાગઢ શહેરનાં ખરાબ રસ્તાનું ભૂત ઘણા લાંબા સમય થયા ધુણી રહયું છે. પરંતુ મનપાનાં તંત્ર વાહકો આ અંગે કોઈ અસરકારક કામગીરી દાખવી શકયા નથી. જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં વિકાસનાં પ્રોજેકટ અંતર્ગત રસ્તાઓને આડેધડ ખોદી નાખવામાં આવેલ છે. ત્યારબાદ રસ્તા ઉપર મોરમ પાથરી દેવામાં આવે છે. આ ઉપરાંત માથે પાઉડરનો છંટકાવ કરી અને રસ્તા રીપેરીંગ તેમજ કયાંક સીમેન્ટનાં થીગડા મારી દઈ અને કામ ચલાવી લેવામાં આવે છે. નવા રસ્તા શા માટે બનાવવામાં આવતા નથી ? અને જાે બનાવવામાં આવ્યા હોય તો તેવા રસ્તાઓનું લાંબુ આયુષ્ય શા માટે રહેતુ નથી ? તેવો સવાલ પણ ઉઠવા પામેલ છે. જાણકાર સુત્રોનાં જણાવ્યા અનુસાર રસ્તાઓ ખોદવા અને ફરી પાછા બનાવવાની એકને એક પ્રક્રિયા વારંવાર કરવાનાં કારણ પાછળ મોટું કૌભાંડ આકાર પામી રહયું હોવાની સનસની વિગતો સામે આવી છે. જેમાં પહેલા રસ્તા બનાવવામાં આવે અને આ રસ્તા બન્યા બાદ તેનું લાંબુ લચક બીલ બનાવવામાં આવે અને નાણાં ઉધારી દેવામાં આવે. ત્યાર બાદ આ જ રસ્તામાં ફરી પાછુ વિવિધ કામગીરી અંતર્ગત તોડી નાખવામાં આવે અને ફરી પાછા થીગડા મારવા કે રીપેર કરવા અથવા તો ડામર પાથરી અને તેના પણ મસમોટા બીલ મુકવામાં આવે. કેટલીક વગદાર એજન્સીઓને મોટો ફાયદો તેમજ કમિશન ધારકોને પણ ફાયદો થાય તે રીતની આ કામગીરી કરવામાં આવતી હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે. ત્યારે જૂનાગઢ શહેરનાં રસ્તાનાં ચાલી રહેલા કૌભાંડ અંગે વહેલી તકે ઉચ્ચ સ્તરીય તપાસ કમીટી નીમી અને તપાસ કરવામાં આવે તેમજ જે કોઈ જવાબદારો હોય તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગણી પણ ઉઠવા પામી છે.


