કુખ્યાત બંગલા ગેંગના ૩ સાગરીતો ૫ હથિયાર અને ૯૬ કારતૂસ સાથે ઝડપાયા - ૪ ફરાર

કુખ્યાત બંગલા ગેંગના ૩ સાગરીતો ૫ હથિયાર અને ૯૬ કારતૂસ સાથે ઝડપાયા - ૪ ફરાર

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૧પ
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સંગઠિત ગુનાખોરી અને માથાભારે તત્વોના અસ્તિત્વને જડમૂળથી નાશ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા એક વિશેષ મિશન ચલાવવામાં આવી રહ્યું છે. આ કામગીરીના ભાગરૂપે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને લાંબો ગુનાહિત ઈતિહાસ ધરાવતી કુખ્યાત બંગલા ગેંગના પાંચ સભ્યો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કડક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આ ગેંગના સભ્યો લાંબા સમયથી પોલીસને થાપ આપી નાસતા ફરતા હતા પરંતુ, જૂનાગઢ તાલુકા પોલીસે બાતમીના આધારે આ ગેંગના ત્રણ મહત્વના સાગરીતોને ઘાતક હથિયારોના મોટા જથ્થા સાથે ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. 
આ ગેંગના અસ્તિત્વને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ કે.એમ. પટેલ દ્વારા પાંચેય આરોપીઓના ગુનાહિત ઈતિહાસની ઊંડી તપાસ કરીને મજબૂત પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા હતા. આ તપાસ બાદ એક વિગતવાર રિપોર્ટ તૈયાર કરી જૂનાગઢ વિભાગના પોલીસ મહાનિરીક્ષક પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો. રેન્જ આઈ.જી. નિલેશ જાજડિયા અને એસ.પી. સુબોધ ઓડેદરાના સીધા માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા ગુનેગારોને પકડવા માટે તાલુકા પોલીસ પી.આઈ. એફ.બી. ગગનીયા અને તેમની ટીમ સતત પેટ્રોલીંગ અને સર્વેલન્સમાં હતી. આ દરમિયાન પોલીસને સચોટ માહિતી મળી હતી કે, બંગલા ગેંગના ફરાર આરોપીઓ સરગવાડા ગામે કમલેશ લખમણ ભારાઈના રહેણાંક મકાનમાં આશરો લઈ રહ્યા છે. બાતમી મળતાની સાથે જ પોલીસ સ્ટાફે સરગવાડા સ્થિત મકાન પર દરોડો પાડ્યો હતો. પોલીસની તપાસમાં એક ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે, આરોપીઓએ પોલીસ ધરપકડથી બચવા માટે અગાઉથી જ ઘાતક હથિયારોનો જથ્થો મંગાવી રાખ્યો હતો. પૂછપરછમાં એ વાતનો ખુલાસો થયો છે કે, જ્યારે પણ પોલીસ આ આરોપીઓને પકડવા માટે રેડ કરે ત્યારે પોલીસ ટીમ પર સીધું ફાયરિંગ કરી, જાનથી મારી નાખવાના ઇરાદે અથવા ગંભીર ઇજા પહોંચાડી નાસી જવા માટે આ હથિયારો મંગાવ્યા હતા.

પોલીસે સમયસૂચકતા વાપરીને સ્થળ પરથી ત્રણ આરોપીઓ કમલેશ લખમણ ભારાઈ, વિશાલ કાના ભારાઈ અને જયેશ ઉર્ફે એભો મેરૂભાઈ ચાવડાની ધરપકડ કરી લીધી હતી, જ્યારે જયપાલ ખોડા બઢ અને ભરત ખોડા બઢ નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે રેડ પાડી બે દેશી હાથ બનાવટના હથિયારો, બે દેશી તમંચા, એક દેશી પિસ્તોલ અને ૯૬ નંગ જેટલા જીવતા કારતૂસ મળી પોલીસે ઘટના સ્થળેથી કુલ ૫૦,૮૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.હથિયારો ઉપરાંત પોલીસે ચાર તીક્ષ્ણ છરીઓ, હથિયાર સાફ કરવા માટેના સાધનો જેવા કે ફુલથ્રુ અને પીન તથા ત્રણ મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. આ સમગ્ર હથિયારોનો જથ્થો ગેંગના મુખ્ય આરોપીઓ ભાવેશ ઉર્ફે ભાવિન અને લાખા સાંગા હુણ દ્વારા મોકલવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આરોપીઓના ગુનાહિત ઈતિહાસ પર નજર કરીએ તો ઝડપાયેલ જયેશ ઉર્ફે એભો મેરૂભાઈ ચાવડા વિરુદ્ધ હત્યા, લૂંટ અને પ્રોહિબિશન સહિતના કુલ ૧૭ જેટલા ગંભીર ગુનાઓ અગાઉ નોંધાઈ ચૂક્યા છે. તેમજ મુખ્ય આરોપી ભાવેશ ઉર્ફે ભાવિન ખોડા બઢ વિરુદ્ધ હત્યાની કોશિશ અને રાયોટિંગ સહિતના ૧૧ ગુનાઓ છે, જ્યારે જાદવ ઉર્ફે લાખો સાંગા હુણ વિરુદ્ધ હત્યા અને આર્મ્સ એક્ટ જેવા ૯ ગુનાઓ નોંધાયેલા છે. અન્ય આરોપીઓ વિશાલ અને જયપાલ વિરુદ્ધ પણ ૦૧-૦૧ ગુનો નોંધાયેલ છે. પોલીસ હાલ આ ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.