જૂનાગઢની ૪૫ શાળા-સંસ્થાઓએ ૩,૦૦૦થી વધુ વૃક્ષો વાવી વિશ્વ રેકોર્ડમાં નોંધાવી ભાગીદારી
જૂનાગઢ તા.૦૨
પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણને જનઆંદોલનનું સ્વરૂપ આપવાના ઉદ્દેશ સાથે પ્રકૃતિ મિત્ર ગ્રુપ, ગુજરાત દ્વારા ૨૫ ઓગસ્ટ, ના રોજ ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં એકસાથે વૃક્ષારોપણ મહાઅભિયાન યોજાયું હતું. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરણા અને આશીર્વાદથી તથા કિશનચંદ ટેકચંદ પરિવાર, ખેડબ્રહ્માના સૌજન્યથી યોજાયેલા આ અભિયાનને ‘એક પેડ મા કે નામ’ અભિયાન સાથે પણ જોડવામાં આવ્યું હતું.
આ અભિયાનમાં જૂનાગઢ જિલ્લાની ૪૫ જેટલી શાળા-સંસ્થાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહપૂર્વક સહભાગી બની ૩,૦૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું હતું. વિવિધ સ્થળોએ એકસાથે યોજાયેલા વૃક્ષારોપણ થકી પર્યાવરણ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાની સાથે વૃક્ષોના જતન અને સંવર્ધનનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ સમગ્ર વૃક્ષારોપણ મહાઅભિયાનની નોંધ IEA બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ માં કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાની ૪૫ જેટલી શાળા-સંસ્થાઓની સામૂહિક ભાગીદારી આ વિશ્વ રેકોર્ડ અભિયાનની વિશેષ સિદ્ધિ બની છે.
જૂનાગઢ જિલ્લામાં અભિયાનની સફળતા માટે શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર-ચણાકા માધ્યમિક શાળાનાં શિક્ષિકા તથા પ્રકૃતિ મિત્ર ગ્રુપના જિલ્લા કન્વીનર અને પર્યાવરણવિદ્ મીરા વૈષ્ણવએ વિવિધ શાળા-સંસ્થાઓ સાથે સંકલન કરી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને અભિયાન સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
વિશ્વ રેકોર્ડમાં નોંધાયેલી આ સિદ્ધિ સાથે જૂનાગઢ જિલ્લાએ વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ ક્ષેત્રે નોંધપાત્ર ઉદાહરણ પૂરું પાડ્યું છે. વાવવામાં આવેલા વૃક્ષોનું નિયમિત જતન અને સંવર્ધન કરીને આ અભિયાનને સતત આગળ ધપાવવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સામૂહિક પ્રયાસ પર્યાવરણપ્રેમી સમાજના નિર્માણ સાથે આવનારી પેઢી માટે હરિયાળું અને સ્વચ્છ ભવિષ્ય સુનિશ્ચિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ બની રહેશે.




