જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં ગુરૂપુર્ણિમાની ઉજવણી માટે ભાવિકોમાં ભારે ઉત્સાહ
ભવનાથમાં આવેલા ધાર્મિક સ્થાનોમાં ગુરૂપૂજન, સંતવાણી, પ્રસાદ ભોજનનાં કાર્યક્રમો : તડામાર તૈયારી
જૂનાગઢ તા.27
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં ગુરૂપુર્ણિમા પર્વની ભાવપુર્વક ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. ધાર્મિક સ્થાનોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે અને તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જયારે ભાવિકોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહયો છે.
અષાઢ સુદ પુર્ણિમા એટલે કે, ગુરૂપુર્ણિમાનું પર્વ આગામી તા.29-07-2026 બુધવારનાં રોજ ભાવભેર ઉજવવામાં આવશે. ગુરૂ પ્રત્યે ઋણ અદા કરવાના આ પર્વે અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ગુરૂને સાક્ષાત ઈશ્વર સ્વરૂપ માનવામાં આવે છે. અને ‘ગુરૂ’ વિના જ્ઞાન મળે નહીં’ તેવી આપણી સંસ્કૃતિ રહી છે. ગુરૂનો દરજજાે ભગવાન કરતા પણ વિશેષ દર્શાવવામાં આવેલ છે. એટલે તો આપણી ધાર્મિક સંસ્કૃતિ અને પરંપરામાં કહેવાય છે કે, ‘ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો ભવ’ કિસકો લાગુ પાય, બલીહારી ગુરૂદેવ કી જીન્હોને બતાયા માર્ગ’
ગુરૂદેવ પ્રત્યે આદર ભાવના વ્યકત કરતી આ પંક્તિમાં બધુજ આવી જાય છે. ભકતને ગુરૂદેવ દ્વારા સાચો માર્ગ બતાવ્યો અને જેમના દ્વારા તેમની કૃપાને કારણે આજે ઈશ્વરનાં સાક્ષાત દર્શન કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે. એટલે ગુરૂનું સ્થાન ખુબજ ઉંચું રહયું છે. ગુરૂ પ્રત્યે ભક્તિ, શ્રધ્ધા અને ઋણ ચુકવવાનો અવસર જયારે નજીક આવી રહયો છે ત્યારે ભાવિક ભકતો દ્વારા ગુરૂપુર્ણિમાના પાવનકારી પર્વે વિશેષ પૂજન સહીતનાં કાર્યક્રમો યોજવામાં આવશે અને ગુરૂપુર્ણિમાની ભાવભેર ઉજવણી માટે ભાવિકોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહયો છે. ગુરૂપુર્ણિમાનાં પાવન અવસરે જૂનાગઢ શહેરમાં આવેલા ધર્મસ્થાનોમાં પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે જયારે જૂનાગઢની તદન નજીક આવેલા ભવનાથ તિર્થક્ષેત્રમાં આવેલા ધાર્મિક સ્થાનો, આશ્રમોમાં પણ ગુરૂપુર્ણિમા અવસરે સવારથી જ અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. ભવનાથ ખાતે આવેલા ગોરક્ષનાથ આશ્રમ ખાતે પીરયોગી ગાદીપતી પૂ.શેરનાથ બાપુના માર્ગદર્શન હેઠળ ગુરૂપુર્ણિમાના અવસરે વિવિધ કાર્યક્રમો યોજાશે. ગુરૂપુર્ણિમાનાં દિવસે ગુરૂ મહારાજનું પૂજન, ધ્વજારોહણ સહીતનાં કાર્યક્રમો તેમજ વિશાળ શિષ્ય સમુદાય દ્વારા પૂ.શેરનાથ બાપુનું પૂજન થશે, સંતવાણીનાં કાર્યક્રમો તેમજ સંતો, ભાવિકો માટે સમુહ પ્રસાદ ભોજન સહીતનાં અનેકવિધ કાર્યક્રમો યોજાશે. સેવકગણ દ્વારા તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ભવનાથ ખાતે આવેલ બ્રહ્મલીન સંત પૂ.વિશ્વંભર ભારતીજી મહારાજનાં આશ્રમ એટલે કે ભારતી આશ્રમ ખાતે પણ ગુરૂપુર્ણિમા નિમિત્તે પૂજન, સંતવાણી, સમુહ પ્રસાદ ભોજન જેવા કાર્યક્રમો યોજાશે. ગાદીપતી મહામંડલેશ્વર પૂ.હરીહરાનંદજી મહારાજનાં માર્ગદર્શન હેઠળ આયોજન કરાયંુ છે. સેવકગણ દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ શહેર તેમજ ભવનાથમાં આવેલા વિવિધ ધર્મસ્થાનોમાં ગુરૂપુર્ણિમાની ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત બિલખા ખાતે આવેલ રાવતેશ્વર ધર્માલય ખાતે પણ ગુરૂપુર્ણિમાના અવસરે વિશેષ પૂજન સહીતનાં કાર્યક્રમો યોજાશે. જેમાં બ્રહ્મલીન સંત પૂ.ગોપાલાનંદજી બાપુની સમાધી પૂજન, શિષ્યો દ્વારા સંતોનું પૂજન તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત પૂજયપાદ નથુરામ શર્માજી દ્વારા સ્થાપિત આનંદ આશ્રમ ખાતે પણ દર વર્ષની જેમ ગુરૂપુર્ણિમા ઉત્સવની ભાવભેર ઉજવણી થશે. દુર દુરથી સેવકગણ આવી રહેલ છે અને ગુરૂ પૂજન સહીતનાં કાર્યક્રમોમાં સહભાગી થશે.
આ ઉપરાંત ભેસાણ તાલુકાનાં પરબધામ ખાતે આવેલ સંત દેવીદાસ, અમર દેવીદાસની પાવનકારી જગ્યા ખાતે ગુરૂપુર્ણિમા પર્વ પ્રસંગે ગુરૂપૂજન સહીતનાં કાર્યક્રમો યોજાશે. ગાદીપતિ પૂ.કરશનદાસ બાપુના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાશે. સેવકગણ દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
ગુરૂપુર્ણિમાના પાવનકારી અવસરે સતાધાર ખાતે આપાગીગા શામજીબાપુની જગ્યા ખાતે પણ ગાદીપતી પૂ.વિજયબાપુના માર્ગદર્શન હેઠળ સમાધીપૂજન, પ્રસાદ ભોજન, સંતવાણી સહીતનાં કાર્યક્રમો યોજાશે જેની તૈયારીઓ હાથ ધરાઈ છે. દરમ્યાન ગુરૂપુર્ણિમાનાં અવસરે શિષ્યો દ્વારા ગુરૂદેવોનું પૂજન કરવામાં આવશે અને આ પર્વને ભાવભેર ઉજવવા માટે ભારે ઉત્સાહ પ્રવર્તી રહયો છે. ગુરૂપુર્ણિમાના અવસરે ભવનાથ તળેટી ખાતે આવેલા ધર્મસ્થાનો આશ્રમોમાં સહભાગી થવા માટે દુર-દુરથી શિષ્ય સમુદાય આવી રહયો છે.
ભવનાથ ખાતે આવેલા પુનિતાચાર્યજીના સાધના આશ્રમ ખાતે પણ માતાજી શૈલેજાદેવીનાં માર્ગદર્શન હેઠળ ગુરૂપુર્ણિમાનાં દિવસે સવારથી જ પૂજન, તેમજ ધાર્મિક કાર્યક્રમો, સમુહ પ્રસાદ, ભોજન સહીતના કાર્યક્રમો યોજવામાં આવશે. આગામી બુધવારે ગુરૂપુર્ણિમાનાં પાવન અવસરને સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ભાવભેર ઉજવવામાં આવશે. અને અનેકવિધ કાર્યક્રમો યોજાનાર છે જે અંગેની તડામાર તૈયારી ચાલી રહી છે.


