જૂનાગઢ શહેરમાં રોગચાળો વકર્યો : શરદી, ઉધરસ, તાવના વાયરા
ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગચાળો ફેલાતા માંદગીનાં ખાટલા : આરોગ્ય વિષયક પગલા ભરવાની જરૂર
જૂનાગઢ તા.25
જૂનાગઢ શહેર અને જિલ્લામાં હાલ રોગચાળો ફલાયો છે અને પાણીજન્ય રોગચાળાને કારણે લોકો માંદગીનાં ખાટલે પટકાયા છે. ખાસ કરીને શરદી, ઉધરસ, તાવ, ઈન્ફેકશનને કારણે બિમારી ફેલાઈ છે.
સીવીલ હોસ્પીટલ, ખાનગી દવાખાનામાં છેલ્લા 15 દિવસમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.
રોગચાળાને કાબુમાં લેવા માટે આરોગ્ય વિષયક પગલા લેવાની ખાસ જરૂર છે. ત્યારે જૂનાગઢ શહેરમાં તંત્ર દ્વારા રોગ નિયંત્રણ માટેના પગલા લેવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.
આ વર્ષે ચોમાસુ તેના નિયત સમયગાળામાં એટલે કે 15 જુનની આસપાસ શરૂ થયું નહોતું અને તા.૧ લી જુલાઈથી જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રમાં વિધીવત ચોમાસુ શરૂ થયું હતું. ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ સારો વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ છેલ્લા કેટલાય દિવસો થયા વાદળછાયું વાતાવરણ, વરસાદી ઝાપટાની સાથે બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહયા છે. કયારેક વરસાદનું ભારે ઝાંપટું અથવા તો ઝરમરીયો વરસાદ રહે છે. ગઈકાલે પણ ઝરમરીયો વરસાદ સતત રહયો હતો. ચોમાસાના દિવસોમાં વરસાદ પડે તે સામાન્ય બાબત છે. આ સાથે જ વરસાદને કારણે લગભગ શહેરનાં મોટાભાગનાં વિસ્તારોમાં રસ્તાઓનાં ખાડામાં પાણી ભરાવા, ખાબોચીયામાં પાણી ભરાવા સહીતની સમસ્યા સર્જાયેલી છે. આ ઉપરાંત અનેક જગ્યાઓએ ગંદકી પણ વધી છે તેવા સંજાેગોમાં મચ્છરોનો ઉપદ્રવ પણ સતત વધી રહયો છે. ઝેરી મચ્છરને કારણે રોગચાળો પણ માથુ ઉંચકી રહયો છે. આ ઉપરાંત બેવડી ઋતુને કારણે પણ રોગચાળો વકર્યો છે.
જૂનાગઢ શહેરની વાત કરીએ તો શહેરમાં રોગચાળાએ માથુ ઉચકયું છે. ઉધરસ, તાવ, મેલેરીયા, ફલુ જેવા રોગો વધી રહયા છે. ગળુ પકડાઈ જવું, ખાંસી થવી કે શરદી થવી જેવા પાણીજન્ય રોગચાળો ફેલાયો છે. અને જેને કારણે જૂનાગઢની સીવીલ હોસ્પીટલ તેમજ ખાનગી દવાખાનાઓમાં શરદી, ઉધરસ, તાવનાં રોજેરોજ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહયો છે. લોકો પાણીજન્ય રોગચાળાની બિમારીમાં પટકાઈ રહયા છે. રોગચાળાને નિયંત્રણમાં લેવા માટેના આરોગ્ય વિષયક પગલા ભરવાની માંગણી ઉઠવા પામી છે.


