ઓનલાઈન દવાઓના વેચાણનાં ભારે વિરોધ વચ્ચે જૂનાગઢમાં દવા બજારની આજે હડતાળ
ઈમરજન્સી સેવા અને દર્દીઓને કોઈ જાતની મુશ્કેલી ન પડે તે માટે જૂનાગઢમાં દવાની 3 દુકાનો ખુલી રખાઈ
જૂનાગઢ તા. 20
જૂનાગઢ સહીત રાજયભરની 35 હજારથી વધુ દવાની દુકાનોનાં વેપારીઓ દ્વારા આજે બુધવારે 1 દિવસ 24 કલાક દુકાનો બંધ રાખી અને હડતાળ રાખવામાં આવી છે. જૂનાગઢ શહેરમાં અનિવાર્ય અને ઈમરજન્સી સેવા માટે કુલ 3 દુકાનો દર્દીઓને તકલીફ ન પડે તે માટે ખુલ્લી રાખવામાં આવી છે. ઓનલાઈન દવાઓના વેચાણનાં વિરોધ સાથે આજે દવા બજાર દ્વારા બંધ પાડવામાં આવ્યો છે. ઓનલાઈન દવાઓના વેપારના વિરોધમાં ઓલઈન્ડીયા કેમીસ્ટ એન્ડ ડ્રગીસ એસો. દ્વારા દેશવ્યાપી અપાયેલા બંધનાં એલાનનાં સમર્થનમાં ધી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમીસ્ટ એન્ડ ડ્રગ્સીટ એસો.ને હડતાળમાં જાેડાવવાનું એલાન કર્યુ હતું. જેને કારણે કેમીસ્ટ એસો. દ્વારા આજે દવા બજાર બંધ રાખવામાં આવી છે. ખાસ કરીને ઓનલાઈન દવાઓનાં ગેરકાયદેસર વેચાણ, મોટી કોર્પોરેટર કંપનીઓની પ્રેડેટરી પ્રાઈસીંગ નીતી અને કેટલાક સરકારી નોટીફેકશનાં કારણે પરંપરાગત દવાનાં વેપારીઓનું અસ્તિત્વ તો જાેખમમાં મુકાયું છે પરંતુ સાથે જ આ હડતાળ માત્ર વેપારનો મુદો નથી પરંતુ આરોગ્ય વ્યવસ્થા, દર્દી સુરક્ષા અને નાના વેપારીઓના અસ્તિત્વ સાથે જાેડાયેલો પ્રશ્ન છે. નાના દવાઓનાં વેપારીઓનાં હિતનું રક્ષણ કરવામાં આવે તેમજ દર્દીઓની સુરક્ષા માટે કડક દવા વેચાણ નીતી અમલમાં મુકવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે. આ સાથે જ ગેરકાયદેસર ઈ-ફાર્મસી કામગીરી ઉપર રોક લગાવવી, તેમજ 28 ઓગસ્ટ 2018નો GSR 817 (E) નોટીફેકશન પાછુ ખેંચવું, 26 માર્ચ 2020નું GSR 220 (E) નોટીફીકેશન રદ કરવું તેમજ મોટી કોર્પોરેટ કંપનીઓની ભારે ડીસ્કાઉન્ટની નીતી સામે કડક નિયમન લાવવા માટેની માંગણી કરવામાં આવી છે. આજે જૂનાગઢ શહેરમાં આવેલી દવા બજાર સંપૂર્ણ બંધ રાખવામાં આવી છે. જૂનાગઢ કેમીસ્ટ એસો. દ્વારા આજની દવાની દુકાનની હડતાળ દરમ્યાન ઈમરજન્સી તેમજ કોઈપણ દર્દીને મુશ્કેલી ન પડે તે માટે પણ કાળજી રાખવામાં આવી છે. જૂનાગઢ શહેરમાં 3 દુકાનો જેમાં આદર્શ મેડીસીન્સ (ઝાંઝરડા ચોકડી), અરીહંત મેડીકલ (ધ્રુવ ચેમ્બર), આર.કે. મેડીકલ (ધ્રુવ ચેમ્બર)ને ખુલી રાખવામાં આવી છે. જૂનાગઢ શહેરમાં આવેલી દવાની દુકાનો બંધ રાખવામાં આવી હતી. અને દવા દુકાનદાર સંચાલકો દ્વારા કેમીસ્ટ એકતા ઝીંદાબાદનાં સુત્રો તેમજ ઓનલાઈન દવાઓના વેચાણનો વિરોધ કરવામાં આવ્યો હતો.





