કેટરીના કૈફના બોડી શેમિંગ સામે શિવાલિકા ઓબેરોયનો આક્રોશ, કહ્યું- ‘આ હીન કક્ષાના વિચાર છે’

દીકરાના જન્મ બાદ કેટરીનાના શરીરમાં આવેલા ફેરફારોને લઈને ટ્રોલિંગ પર શિવાલિકાએ આપ્યો જવાબ; પોસ્ટપાર્ટમ રિકવરીને સામાન્ય રીતે સ્વીકારવાની કરી અપીલ

કેટરીના કૈફના બોડી શેમિંગ સામે શિવાલિકા ઓબેરોયનો આક્રોશ, કહ્યું- ‘આ હીન કક્ષાના વિચાર છે’

મુંબઈ, તા.૨
બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફને પ્રસૂતિ બાદ શરીરમાં આવેલા ફેરફારો અને વધેલા વજનને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવતાં અભિનેત્રી શિવાલિકા ઓબેરોય તેના સમર્થનમાં આવી છે. શિવાલિકાએ આવા બોડી શેમિંગ સામે નારાજગી વ્યક્ત કરતાં માતૃત્વ અને પોસ્ટપાર્ટમ રિકવરીને લઈને અવાસ્તવિક અપેક્ષાઓ ઊભી ન કરવા અપીલ કરી છે.
તાજેતરમાં કેટરીના કૈફ ડિરેક્ટર કુકુ કોહલીના અંતિમ સંસ્કારમાં જોવા મળી હતી. આ દરમિયાન પાપારાઝીએ લીધેલી તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા. ત્યારબાદ કેટલાક યુઝર્સે કેટરીનાના વધેલા વજન અને તેના દેખાવને લઈને ટિપ્પણીઓ કરી હતી.
આ ટ્રોલિંગ બાદ શિવાલિકા ઓબેરોયે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેટરીનાની તસવીર શેર કરીને તેની તરફેણમાં અવાજ ઉઠાવ્યો હતો. તેણે લખ્યું હતું કે માતૃત્વ બાદ શરીરમાં થતા ફેરફારો સ્વાભાવિક છે અને પોસ્ટપાર્ટમ રિકવરી દરમિયાન સોજો, થાક તથા અન્ય શારીરિક બદલાવ સામાન્ય હોઈ શકે છે.
શિવાલિકાએ સોશિયલ મીડિયા પર માતૃત્વનું એવું અવાસ્તવિક સ્વરૂપ રજૂ કરવાનું બંધ કરવાની અપીલ કરી હતી, જેમાં બાળકના જન્મ બાદ મહિલાએ તરત જ પહેલાની જેમ દેખાવું જોઈએ તેવી અપેક્ષા રાખવામાં આવે. છેલ્લા કેટલાક દિવસોમાં આવી અનેક પોસ્ટ જોયા બાદ તેણે આ પ્રકારની માનસિકતાને ‘હીન કક્ષાના વિચાર’ ગણાવી હતી.
શિવાલિકા પણ તાજેતરમાં માતા બની હોવાથી પ્રસૂતિ બાદ શરીરમાં આવતા ફેરફારો અને રિકવરીની પ્રક્રિયાને નજીકથી સમજે છે. તેણે આ જ અનુભવના આધારે કેટરીનાના બોડી શેમિંગ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
અગાઉ પણ અનેક અભિનેત્રીઓ માતા બન્યા બાદ પોતાના વજન અને દેખાવને લઈને સોશિયલ મીડિયા ટ્રોલિંગનો સામનો કરી ચૂકી છે. કેટરીના કૈફ નવેમ્બર ૨૦૨૫માં દીકરા વિહાનના જન્મ બાદ મોટા ભાગે લાઇમલાઇટથી દૂર રહી હતી. હવે કુકુ કોહલીના અંતિમ સંસ્કારમાં તેની જાહેર હાજરી બાદ સામે આવેલી તસવીરોને કારણે તેના દેખાવ અંગે સોશિયલ મીડિયા પર ફરી ચર્ચા શરૂ થઈ છે.