જૂનાગઢ ડીસ્ટ્રીકટ કોર્ટને બોમ્બથી ફૂંકી મારવાની ધમકી મળતા ખળભળાટ

સમગ્ર કોર્ટ સંકુલને ખાલી કરાવી સર્ચ ઓપરેશન હાથ ધરાયું : તંત્રમાં ભારે દોડધામ

જૂનાગઢ ડીસ્ટ્રીકટ કોર્ટને બોમ્બથી ફૂંકી મારવાની ધમકી મળતા ખળભળાટ

(ડેસ્ક)              જૂનાગઢ તા.૦૨
જૂનાગઢ શહેરની સુરક્ષા વ્યવસ્થાને પડકાર ફેંકતી ચોંકાવનારી ઘટના આજે બની છે. જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. કોર્ટના સત્તાવાર ઈ-મેલ આઈડી પર મેલ આવ્યો હતો કે કોર્ટમાં ૨:૧૦ વાગ્યે ત્રણ બોમ્બ ફૂટશે. 
ઈ-મેલ મળતાની સાથે જ કોર્ટના અધિકારીઓએ તુરંત પોલીસને જાણ કરી હતી, જેના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.
ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાના જણાવ્યા મુજબ ડીસ્ટ્રીક કોર્ટના સત્તાવાર ઈ-મેલ આઈડી પર મેલ આવ્યો છે કે ૨:૧૦ વાગ્યે ત્રણ બોમ્બ કોર્ટમાં ફૂટશે. હાલ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને પોલીસ સ્ટાફને કોર્ટ પરિસરમાં ગોઠવી દેવામાં આવ્યો છે. કોર્ટમાં ઉપસ્થિત લોકોને તેમજ કોર્ટના સમગ્ર સ્ટાફને તાત્કાલીક અસરથી કોર્ટ સંકુલની બહાર ખસેડી લેવામાં આવ્યા હતા.
ધમકીભર્યા મેલની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જૂનાગઢ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ધોરણે કોર્ટ પરિસરે પહોંચી ગઈ હતી. સાવચેતીના ભાગરૂપે પોલીસે સમગ્ર કોર્ટ બિલ્ડિંગને ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. વકીલો, અસીલો અને કોર્ટ સ્ટાફને તાબડતોબ સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી હતી. અચાનક કોર્ટ ખાલી કરાવવામાં આવતા લોકોમાં થોડા સમય માટે ભય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે કોર્ટના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ સીલ કરીને સુરક્ષા કોર્ડન ગોઠવી દીધું હતુ.
બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે. પોલીસ દ્વારા કોર્ટના દરેક રૂમ, લોબી, ર્પાકિંગ એરિયા અને આસપાસના વિસ્તારોમાં ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કોઈ શંકાસ્પદ વસ્તુ કે પાર્સલ મળી આવે તો તેને તુરંત નિષ્ક્રિય કરવા માટેની તૈયારી પણ રાખવામાં આવી છે. ફાયરની ટીમ પણ કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે કોર્ટની બહાર તૈનાત કરી દેવામાં આવી છે. 
બીજી તરફ, આ ધમકીભર્યો ઈ-મેલ ક્યાંથી અને કોણે મોકલ્યો હતો તે જાણવા માટે જૂનાગઢ સાયબર ક્રાઈમની ટીમ સક્રિય થઈ ગઈ છે. ટેકનિકલ સર્વેલન્સની મદદથી મેલનું આઈપી એડ્રેસ ટ્રેસ કરવામાં આવી રહ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈની તોફાની હરકત હોઈ શકે છે અથવા તો ન્યાયિક પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ હોવાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ પોલીસ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી. અગાઉ પણ દેશના વિવિધ શહેરોની કોર્ટ અને શાળાઓને આવા ધમકી ભર્યા ઈ-મેલ મળ્યા હોવાની ઘટનાઓ બની છે, ત્યારે જૂનાગઢ પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. દરમ્યાનમાં વકીલ વર્તુળોમાં એવી ચર્ચા થઈ રહી છે કે, કોઈએ આ ટીખળ કર્યું છે કે શું ? આવું કોણ કરી શકે અથવા મોકડ્રીલ થઈ છે ? અગાઉ ભૂતકાળમાં વર્ષ ર૦૦ર-૦૩માં જૂનાગઢમાં તળાવ દરવાજા સ્થિત એક કો-ઓપરેટીવ બેંકમાં બોમ્બ મુકાયાની ધમકીનો લેન્ડલાઈન પર ફોન આવ્યો હતો જેની બેંક મેનેજરે પોલીસને જાણ કરતા પોલીસે બિલ્ડીંગને ખાલી કરાવી 
બોમ્બ સ્કવોર્ડ દ્વારા તપાસ કરવામાં આવી હતી. પરંતુ ધમકી પોકળ સાબિત થઈ હતી.

દાયકાઓ પહેલા જૂનાગઢ શહેરમાં જેલ રોડ અલંકાર ટોકીઝ સામે આવેલા ગેસ્ટ હાઉસમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો
જૂનાગઢ શહેરમાં ભૂતકાળમાં લગભગ ચાર દાયકા પહેલા જેલ રોડ પર અલંકાર ટોકીઝ સામે આવેલ એક ગેસ્ટ હાઉસમાં બોમ્બ વિસ્ફોટની ઘટના બની હતી. જેમાં ગેસ્ટ હાઉસમાં ઉતરેલા એક અજાણી વ્યક્તિએ મુકેલી બિનવારસી બેગમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. અને ગેસ્ટ હાઉસના મેનેજરે પોતાની બન્ને આંખો ગુમાવી હતી. તે વખતે આ ઘટનાએ ભારે ખળભળાટ મચાવી દીધો હતો.