તેજીનો ફુગ્ગો ફુટી ગયો : ચાંદીમાં વધુ રૂા.૧૬,૦૦૦, સોનામાં રૂા.૪પ૦૦ નું ગાબડુ
એક કિલો ચાંદીનો ભાવ રૂા.૨.૪૧ લાખ થઈ ગયો : સોનુ ૧૦ ગ્રામના રૂા.૧.૪૦ લાખ
રાજકોટ, તા.૨
સોના-ચાંદીમાં અભૂતપૂર્વ તેજી અને રેકોર્ડ બે્રક ભાવ બાદ ગાડી હવે ઉંધી દિશામાં દોડવા લાગી હોય તેમ સતત ત્રીજા દિવસે આજે પણ કડાકાભડાકા રહયા હતાં. બંને મેટલમાં વધુ ગાબડા પડ્યા હતા. ચાંદીમાં છેલ્લા બે દિવસમાં ૪૦ હજાર રુપિયા ઘટી ગયા છે. જ્યારે સોનામાં ૧૦ હજારનો ઘટાડો થઇ ગયો છે. આજે પ્રારંભીક કામકાજમાં જ ચાંદીમાં ૧૬ હજાર તથા સોનામાં ૪૫૦૦નો ઘટાડો નોંધાયો છે.
સોના-ચાંદીમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી મંદીનો દૌર શરુ થયો છે અને જે આજે પણ ચાલુ રહ્યો હોય તેમ વિશ્વસ્તરે વધુ ઘટાડો નોંધાયો હતો. ભારતીય કોમોડીટી એક્સચેંજમાં પ્રારંભિક કામકાજમાં જ ચાંદીમાં વધુ ૧૬ હજારથી વધુનું ગાબડું પડી ગયું હતું અને ભાવ ૨,૪૯,૨૦૦ સાંપડ્યો હતો. જે એક તબકકે નીચામાં ૨,૪૩,૬૪૫ના સ્તરે પહોંચી ગયો હતો. હાજર ચાંદી જો કે ૨.૬૩ લાખ બોલાતી હતી. વિશ્વબજારમાં ચાંદીનો ભાવ ૭૯.૨૪ ડોલર સાંપડ્યો હતો.
ચાંદીની જેમ સોનામાં પણ ગાબડુ પડ્યું હતું. વાયદા બજારમાં પ્રારંભીક કામકાજમાં સોનુ ૩૪૦૦ના ઘટાડાથી ૧,૩૮,૮૦૦ સાંપડ્યું હતું. જે નીચામાં ૧,૩૭,૪૫૫ થયું હતું. હાજર સોનુ ૧.૫૪ લાખ હતું. વિશ્વ બજારમાં ભાવ ૪૬૮૫ ડોલર હતો.
આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. સ્પોટ ગોલ્ડ ૩.૩% ઘટીને ૪,૭૦૩.૨૭ ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ
રહ્યો હતો. પાછલા સત્રમાં તે ૫% થી વધુ ઘટીને બે અઠવાડિયામાં તેના સૌથી નીચા સ્તરે પહોંચ્યો હતો. એપ્રિલ ડિલિવરી માટે યુએસ ગોલ્ડ ફયુચર્સ પણ ૦.૩% ઘટીને ૪,૭૨૯.૨૦ ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યો હતો. સ્પોટ સિલ્વર પણ ૫% ઘટીને ૮૦.૨૮ ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યો હતો. ગુરુવારે તે ૧૨૧.૬૪ ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.


