ભેળસેળવાળુ દુધ આરોગવું એટલે કેન્સરને સીધું જ આમંત્રણ જૂનાગઢ જીલ્લામાં કેન્સરનાં દર્દીઓમાં વધારો - નકલી દુધ કારણભુત ?

નકલી દુધના કારોબારને કારણે અનેક લોકો જીવલેણ બિમારીનો ભોગ બની રહયા હોવનું ચોંકાવનારૂં તારણ

ભેળસેળવાળુ દુધ આરોગવું એટલે કેન્સરને સીધું જ આમંત્રણ જૂનાગઢ જીલ્લામાં કેન્સરનાં દર્દીઓમાં વધારો - નકલી દુધ કારણભુત ?

જૂનાગઢ તા. ૩
જૂનાગઢ જીલ્લામાં કેન્સરની જીવલેણ બિમારીનાં ભોગ બનેલા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે. અને જે ખુબજ ગંભીર અને ચિંતાજનક બાબત છે. કેન્સરનાં દર્દીઓની  સંખ્યામાં વધારો થવાનાં કારણમાં દુધની ભેળસેળ કારણભુત હોવાનું ચોંકાવનારૂં તારણ બહાર આવ્યું છે અને આ ખુબજ ગંભીર બાબત છે જેની સામે કડક કાર્યવાહી કરવાની જરૂરીયાત અને માંગ છે.
આજનાં ફાસ્ટ યુગમાં વ્યક્તિને આરોગ્ય સ્વસ્થ રાખવા માટે ઘણી બધી સાવચેતી રાખવી પડે છે. આજે પોષણક્ષમ આહાર, પ્રોટીનવાળા પદાર્થો, શાકભાજી, દુધ સહીત લગભગ મોટાભાગની ચીજવસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવી રહી છે.
ભેળસેળયુકત ખોરાક ખાવાનાં કારણે પણ અનેક રોગનાં ભોગ બનવું પડે છે. દરમ્યાન જીવલેણ બિમારી ગણાતા અસાધ્ય રોગ એવા કેન્સર જુદાજુદા કારણસર થતાં હોય છે. મોટાભાગે ગુટખા, બીડી, તમાકુનાં સેવન કરનારાને તેનો ખતરો વધારે હોવાનું સર્વ માન્ય બાબત છે. કેન્સરનો રોગ ફેલાતો અટકાવવા માટે સરકાર દ્વારા  ચેતવણીરૂપ પગલાઓ લેવામાં આવી રહયા છે. લોકોમાં જાગૃત્તિ આવે અને તમાકુનું સેવન બંધ થાય તે માટેની સુચનાઓ પણ આપવામાં આવતી હોય છે. ‘ધુમ્રપાન હાનીકારક છે’ ગુટકા, તમાકુ નુકશાનકારક છે તેવી ચેતવણી આપવામાં આવે છે. તેમ છતાં કેન્સરના  દર્દીઓનું પ્રમાણ ઘટતું નથી.
દરમ્યાન અન્ય શહેરોની માફક જૂનાગઢ જીલ્લામાં પણ કેન્સરનાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહયો છે અને આ વધારો સેના કારણે થયો છે, દર્દીને કેન્સર થવાનું કારણ શું?  તે બાબતે એકઝામીન કરતા તબીબોને ચોંકાવનારૂં કારણ બહાર આવ્યું છે. જૂનાગઢ જીલ્લાનાં મોટાભાગનાં દર્દીઓને કેન્સર થવાનાં કારણમાં ભેળસેળવાળું નકલી દુધ કારણભુત માનવામાં આવી રહયું છે.  જૂનાગઢ જીલ્લામાં ખુબજ મોટા પાયે ભેળસેળવાળું અને નકલી દુધ વેચવામાં આવી રહયું છે. તાજેતરમાં જૂનાગઢ જીલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની એક બેઠક કલેકટરનાં અધ્યક્ષસ્થાને મળી હતી.
આ બેઠકમા વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ નકલી દુધનો મુદો ઉઠાવ્યો હતો. ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, વિસાવદર પંથકમાં ૮ સ્થળે નકલી દુધ બનાવવાની ફેકટરી ચાલે છે. જેની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. ઉપરોકત બેઠકની કાર્યવાહી અને ગોપાલ ઈટાલીયાએ નકલી દુધ વેચાણનાં ઉઠાવેલા મુદા ઉપરથી સાબિત થાય છે કે, જૂનાગઢ જીલ્લામાં મોટાપાયે  નકલી ભેળસેળયુકત દુધનો કાળો કારોબાર ચાલી રહયો છે.  અને આવું ભેળસેળવાળું દુધ પીવાનાં કારણે લોકો કેન્સર જેવી બિમારીનો ભોગ બની રહયા હોવાનાં તારણને  પગલે જીલ્લામાં વેચાતા ભેળસેળવાળા નકલી દુધનાં કારોબાર કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.  અને સરકારે હવે જેમ ‘ધુમ્રપાન હાનીકારક છે’ તેમ ‘ભેળસેળવાળુ દુધ આરોગવું એટલે કેન્સરને નોતરૂ’ની ચેતવણી લોકોની જાગૃતિ માટે લાવવી જાેઈએ.