કેશોદના અજાબ જિલ્લા પંચાયત સીટના ૨૩ બુથોનો જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાનો સઘન પ્રવાસ

કેશોદના અજાબ જિલ્લા પંચાયત સીટના ૨૩ બુથોનો જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાનો સઘન પ્રવાસ

(પ્રતિનિધિ દ્વારા)
કેશોદ તા.૩
કેશોદ ભારતીય જન રેડતા પાર્ટીના મજબૂત બુથ મજબૂત ભાજપ અભિયાનને વધુ ગતિ આપવા જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા જૂનાગઢ જિલ્લાના અજાબ જિલ્લા પંચાયત સીટ હેઠળ આવેલા તમામ ૨૩ બુથોનો સઘન પ્રવાસ કર્યો હતો. દિવસભર ચાલેલા આ પ્રવાસ દરમિયાન સંગઠનાત્મક મજબૂતી, સેવાકીય પ્રવૃત્તિઓ, વિકાસ કાર્યોની સમીક્ષા તેમજ સ્થાનિક આગેવાનો અને ખેડૂતો સાથે સંવાદ યોજાયો હતો પ્રવાસ દરમિયાન મકવાણાએ વિવિધ બુથ સમિતિઓના હોદ્દેદારો, પક્ષના વરિષ્ઠ અને વિશિષ્ટ આગેવાનો તેમજ સરપંચઓ સાથે આત્મીય મુલાકાત કરી હતી.
આ મુલાકાતોમાં બુથ સ્તરે સંગઠનને વધુ મજબૂત બનાવવું, કાર્યકર્તાઓની સક્રિય ભાગીદારી વધારવી, જનસંપર્કને વધુ અસરકારક બનાવવો તેમજ આગામી સંગઠનાત્મક કાર્યક્રમોને સફળ બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બુથને ભાજપના સૌથી મજબૂત આધારસ્તંભ તરીકે વધુ સશક્ત બનાવવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખે પ્રવાસ દરમિયાન સમાજસેવામાં કાર્યરત અગ્રણી વ્યક્તિઓ, વિવિધ સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ ગૌશાળાના પ્રમુખો સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાતોમાં તેઓ દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી મેળવી સમાજહિતના કાર્યોને વધુ અસરકારક રીતે આગળ વધારવા અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિસ્તારના વિવિધ વિકાસલક્ષી કાર્યોની સ્થળ મુલાકાત લઈને ચાલી રહેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી વિકાસ યોજનાઓની પ્રગતિ અંગે માહિતી મેળવી સ્થાનિક જરૂરિયાતો અને જનસુવિધાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પ્રવાસ દરમિયાન ખેડૂતો સાથે પણ સંવાદ યોજાયો હતો જેમાં કૃષિ, સિંચાઈ, ગ્રામ વિકાસ તેમજ સ્થાનિક પ્રશ્નો અંગે ખેડૂતોના સૂચનો અને રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળવામાં આવી હતી. આ સમગ્ર પ્રવાસ દરમિયાન માનનીય ધારાસભ્ય જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યો, ભાજપ સંગઠનના વિવિધ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ બુથો પર કાર્યકર્તાઓએ જિલ્લા ભાજપ પ્રમુખનું ઉષ્માભર્યું સ્વાગત કરી સંગઠન પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.