સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો : ભેંસાણના રફાળીયા નજીકથી રૂા.૬૮.૬૪ લાખના દારૂ-બીયરનો જથ્થો સહિત કુલ રૂા.૧.૧૬ કરોડનો મુદ્દામાલ જપ્ત
સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફને જાેઇને મધરાતે અંધારામાં દારૂનું કટિંગ કરી રહેલા વાહનોના ડ્રાઈવરોમાં નાસભાગ - ૯ સામે કાર્યવાહી
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ,તા.૬
જૂનાગઢ જીલ્લાના ભેંસાણ તાલુકાના રફાળીયા પાસેના વિસ્તારમાં દારૂના કટિંગ સમયે જ સ્ટેટ મોનીટરીંગ સેલએ દરોડો પાડતા રૂા. ૬૮.૬૪ લાખના વિદેશી દારૂ બિયરની કુલ ૧૫૫૯૩ બોટલ અને કન્ટેનર સહીત છ વાહનો મળીને કુલ રૂા.૧.૧૬ કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને ૯ શખ્સો સામે ગુનો નોધાવ્યો છે. આ દારૂનો જથ્થો અમરેલી અને જેતપુરના અમરનગરના શખ્સે મંગાવ્યો હોવાનું બહાર આવ્યું છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢના ભેંસાણ પંથકમાં દારૂનું મોટેપાયે કટિંગ થઈ રહયું હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલને હકીકત મળતા ગતરાતે એસએમસીના પી.આઈ. આર.કે. કરમટા અને પીએસઆઈ વી.એન.જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી જેતપુર-વિસાવદર, બગસરા હાઇવે ઉપર ભેંસાણના રફાળીયા ગામથી મારૂતિધામ ગિરનાર આશ્રમ પાસે ડાબી તરફ જતા કાચા વાડીના રસ્તે અંદર અઢી કિલોમીટર ઝાડી-ઝાંખરા વાળા ખુલ્લા પટમાં પોલીસ પહોંચી તો, અહી પોલીસને જાેઇને દારુનું કટિંગ કરી રહેલા ઈસમો નાસી ગયા હતા.
પોલીસને સ્થળ પરથી એક કન્ટેનર, એક અશોક લેલન્ડ વાહન, એક મહિન્દ્રા એક્સયુવી, એક હુન્ડાઈ આઈ ટ્વેંટી, સ્વિફ્ટ કાર અને ક્રેટા કાર મળીને કુલ છ વાહનો મળી આવ્યા હતા. જયારે સ્થળ પરથી કુલ રૂા.૬૮,૬૪,૯૦૦ની કીમતનો વિદેશી દારૂ-બિયરનો ૧૫૫૯૩ બોટલનો જથ્થો મળીને કુલ રૂ.૧૧૬૩૫૯૦૦નો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી કરી હતી. તપાસમાં આ દારુનો જથ્થો અમરેલીના રોકડીયાપરામાં રહેતો કુખ્યાત ધર્મેશ મનુ વાળા અને જેતપુરના અમરનગરનો જયેન્દ્ર જીલુ બસિયા નામના શખ્સોએ ભાગીદારીમાં મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા તમામ મુદ્દામાલ કબજે કરીને અમરેલી અને જેતપુરના અમરનગરના બને શખ્સો અને છ વાહનોના ડ્રાઈવર તેમજ દારુનો જથ્થો સપ્લાય કરનાર સહિતના નવ શખ્સો સામે ભેંસાણ પોલીસમાં ફરિયાદ નોધાવી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફને જાેઇને મધરાતે અંધારામાં દારૂનું કટિંગ કરી રહેલા વાહનોના ડ્રાઈવરોમાં નાસભાગ મચી જવા પામી હતી. જેમાં અમુક ડ્રાઈવરો વાહનમાં ચાવી મુકીને તો અમુક ચાવી સાથે ભાગી ગયા હતા. જેને લઈને પોલીસને ચાવી વગરના વાહનોને ટોઈંગ કરીને ભેંસાણ પોલીસ સ્ટેશને લાવવા પડ્યા હતા. કન્ટેનરમાંથી પોલીસને ૨૦૦ લિટરના કાળા કલરના ખાલી બેરલો મળી આવ્યા હતા, સ્થળ પરથી મળી આવેલા વાહનો અંગે તપાસ કરતા તેની આરસી બુક ઉપરથી કન્ટેનર વલસાડનું, અન્ય ગાડીઓ માળીયાના જુથળ ગામની, મોડાસાની હોવાનું સામે આવ્યું છે, સ્ટેટ મોનીટરીંગ સેલના એએસઆઈ ભરતભાઈ પીઠાભાઈએ ફરીયાદી બની ભેંસાણ પોલીસ મથકે આરોપીઓ (૧) ધર્મેશ ઉર્ફે ધર્મેંન્દ્ર ઉર્ફે ધમો મનુભાઈ વાળા રહે.રોકડીયાપરા અમરેલી (ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર) (૨) તેનો ભાગીદાર જયેંન્દ્ર ઝીલુભાઈ બસીયા રહે.અમરનગર તા.જેતપુર (ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર) (૩) ટાટા કંન્ટેનર રજી.ન.ય્ત્ન ૧૫ છ્ ૩૪૧૦ નો ચાલક (ઇંગ્લીશ દારૂનો જથ્થો આપી જનાર) (૪) અશોક લેલન દોસ્ત રજી.ન.ય્ત્ન ૧૧ ફ ફ ૨૫૫૩ નો ચાલક (ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લેવા આવનાર) (૫) મહીંન્દ્રા એક્સ્યુવી ૩૦૦ રજી.નં.ય્ત્ન ૩૧ દ્ગ ૮૦૫૦ નો ચાલક (ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લેવા આવનાર) (૬) હુંન્ડાઇ કંપનીની આઇ-૨૦ રજી.નં. ય્ત્ન ૨૭ છૐ ૩૮૩૬ નો ચાલક (ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લેવા આવનાર) (૭) મારૂતી કંપનીની સ્વીફ્ટ ડીઝાયર રજી.નં. ય્ત્ન ૨૭ દ્ભ ૨૯૫૨ નો ચાલક (ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લેવા આવનાર) (૮) હુંન્ડાઇ કંપનીની ક્રેટા રજી.નં. ય્ત્ન ૧૪ છઁ ૬૯૦૦ નો ચાલક(ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લેવા આવનાર) (૯) (ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મોકલનાર) તથા તપાસમાં ખુલે તે તમામ સહિતના વિરૂધ્ધ પ્રોહીબીશન કલમ ૬પએઈ, ૮૧, ૮૩, ૧૧૬(બી), ૯૮(ર), બીએનએસ કલમ ૧૧૧(ર)(બી), ૧૧૧(૩)(૪) અંતર્ગત ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ એલસીબી પીઆઈ જે.જે.પટેલે તપાસ હાથ ધરી છે.


