જૂનાગઢમાં ભૂગર્ભ ગટરના કામો દરમ્યાન તૂટેલા રસ્તાઓના રિસ્ટોરેશન કામનું નિરીક્ષણ કરતા કમિશ્નર પ્રભવ જોષી

જૂનાગઢમાં ભૂગર્ભ ગટરના કામો દરમ્યાન તૂટેલા રસ્તાઓના રિસ્ટોરેશન કામનું નિરીક્ષણ કરતા કમિશ્નર પ્રભવ જોષી

જૂનાગઢ તા. 17
જૂનાગઢ મહા-નગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને પ્રિ-મોન્સૂન કામગીરી અને શહેરના વિવિધ વિકાસ કામોને વેગ આપવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજ રોજ કમિશ્નર પ્રભવ જોષી દ્વારા વોટર વર્ક્સ શાખા અંતર્ગત ચાલતા વિવિધ પ્રકલ્પો જેમ કે,વોર્ડ નં. 7 અને 12માં ભુગર્ભ ગટરના ચાલતા કામોના લીધે જે રસ્તાઓ તૂટેલા છે, તેના રિસ્ટોરેશન એટલે કે પુન:નિર્માણની કામગીરી, સી.સી. પેચવર્ક તથા નવા રોડના નિર્માણ કાર્યોની પ્રત્યક્ષ સમીક્ષા અને ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું. વર્ષાઋતુ દરમ્યાન નાગરિકોને વાહન ચલાવવામાં કે આવવા જવામાં કોઈ મુશ્કેલી ન પડે અને પાણી ભરાવવાની સમસ્યા ન સર્જાય તે હેતુથી ટીંબાવાડી વિસ્તારમાં આવેલા વોંકળા સફાઈ કામગીરી તથા રોડ રસ્તાઓની કામગીરીની કમિશ્નર પ્રભવ જોષી દ્વારા સમીક્ષા કરવામાં આવી. આ તમામ વિકાસ કામો વર્ષાઋતુ પહેલા યુદ્ધના ધોરણે અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓ અને ઈજનેરને સ્થળ પર જ જરૂરી ટેકનિકલ તેમજ સુચારુ આયોજન માટેનું મહત્વનું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. કમિશ્નર પ્રભવ જોષી દ્વારા જણાવવામાં આવેલ કે, વર્ષાઋતુ પહેલા તમામ રોડના રિસ્ટોરેશન અને પ્રિ-મોન્સૂન સફાઈ અભિયાન વ્હેલી તકે પૂર્ણ કરવામાં આવશે.