જૂનાગઢ મનપાનાં કમિશ્નરનું અજાણ્યા શખ્સે ફેક આઈડી બનાવ્યું : પોલીસ ફરીયાદ

જૂનાગઢ મનપાનાં કમિશ્નરનું અજાણ્યા શખ્સે ફેક આઈડી બનાવ્યું : પોલીસ ફરીયાદ

જૂનાગઢ તા. 17
સોશીયલ મિડીયાનાં યુગમાં અજાણ્યા ઈસમો દ્વારા અનેક પ્રકારના ફેક આઈડી બનાવી અને તેનો દુરૂપયોગ કરતા હોવાના બનાવો અવાર નવાર સામે આવે છે અને તેની સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી પણ થતી રહી છે. આવુ જ એક ફેક આઈડી બનાવવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં જૂનાગઢનાં નવનિયુકત કમિશ્નર પ્રભવ જાેષીનું ફેક આઈડી બનાવી અને તેનો દુરૂપયોગ કરવામાં આવતો હોવાના બનાવને પગલે ભારે ચકચાર જાગી ઉઠી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર જૂનાગઢ મહા-નગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર પ્રભવ જોષીના ફોટા અને નામનો દુરૂપયોગ કરીને કેટલાક અજાણ્યા અને અસામાજિક તત્વો દ્વારા ડિજિટલ છેતરપિંડી આચરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની ગંભીર બાબત સામે આવી છે. કોઈ અજાણ્યા ઇસમ દ્વારા પોતાના વોટસએપ એકાઉન્ટની પ્રોફાઈલમાં કમિશ્નરનો ફોટો સેટ કરી પોતે જ જૂનાગઢ મનપાનાં કમિશ્નર છે તેવો ખોટો દેખાવ કરીને અન્ય વ્યક્તિઓ તેમજ અધિકારીઓને ખોટા મેસેજ મોકલવામાં આવી રહ્યા છે.આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને સાયબર ક્રાઈમની ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને કમિશ્નર પ્રભવ જોષી દ્વારા આ બાબતે સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેના આધારે સાયબર ક્રાઈમ સેલ દ્વારા આગળની તપાસ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ મહા-નગરપાલિકાના જનસંપર્ક વિભાગ દ્વારા જાહેર જનતા, વેપારીઓ, તમામ નગરજનો અને મનપાના કર્મચારીઓને ખાસ અપીલ કરવામાં આવે છે કે આવા કોઈપણ શંકાસ્પદ વોટસએપ મેસેજ કે ફોન કોલ પર ભરોસો કરવો નહીં. કમિશ્નરના નામે કે તેમના ફોટાવાળા કોઈ અજાણ્યા નંબર પરથી જો કોઈ પણ પ્રકારની આર્થિક મદદ, નાણાંકીય લેવડદેવડ કે સત્તાવાર કામ અંગે દબાણ કરવામાં આવે તો તેનાથી ભ્રમિત ન થવા અને આવી છેતરપિંડીથી સાવચેત રહેવા વિનંતી છે. જો કોઈ નાગરિકના ધ્યાનમાં આવો કોઈ શંકાસ્પદ નંબર કે મેસેજ આવે તો તુરતજ તે અંગેની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા સાયબર હેલ્પલાઈન પર કરવા જણાવેલ છે.