કરોડોનો ખર્ચો ગટરમાં ગયો : જૂનાગઢમાં ભૂગર્ભ ગટરનાં ગંધાતા પાણીથી જનતા ત્રાહિમામ

દરેક વિસ્તારોમાં ગટર ઉભરાવાની સમસ્યા : ઘણી હાલાકી બાદ પણ લોટ પાણીને લાકડા જેવી ભૂગર્ભ ગટરની કામગીરી

કરોડોનો ખર્ચો ગટરમાં ગયો : જૂનાગઢમાં ભૂગર્ભ ગટરનાં ગંધાતા પાણીથી જનતા ત્રાહિમામ

જૂનાગઢ તા. ર૧
જૂનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટર યોજના પાછળ કરેલ કરોડોનો ખર્ચો પાણીમાં ગયો હોવાની વ્યાપક ફરીયાદ ઉઠવા પામી છે. શહેરનાં મોટાભાગનાં વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની કામગીરી લોટ પાણીને લાકડા જેવી થઈ છે. કયાંક લાઈન તુટી જવી કયાંક ગટરનાં પાણી ઉભરાઈ જવા આવી સમસ્યા લગભગ દરેક વોર્ડમાં રહેલી છે. ધામિર્ક નગરી અને પ્રવાસન નગરી તરીકે ઓળખાતું જૂનાગઢ શહેર ગટરનાં પાણી ઉભરાવાને કારણે ગંદકી નગરમાં ફેરવાઈ રહયું હોવાની ફરીયાદો છે. જૂનાગઢ મનપાનું વર્ષ ર૦ર૬-ર૭નું રૂા. ૧૪પ૭ કરોડનું બજેટને મંજુર કરી નાખવામાં આવ્યું છે તેમજ આ બજેટમાં અનેક જાહેરાતો કરવામાં આવી છે. પરંતુ વાસ્તવીકતા કંઈક અલગ જ હોવાનું બહાર આવેલ છે. જૂનાગઢ શહેરનાં તળાવ દરવાજા વિસ્તારમાં ર૦ર૩થી ભુગર્ભ ગટરનું પાણી રસ્તા ઉપર ફરી વળે છે. ગટર ઉભરાવવાની આ ગંભીર સમસ્યા છે. અને વોર્ડ નં. ૧૦ કે જે તળાવ દરવાજા વિસ્તારમાં સમાવિષ્ટ છે. અને આ વિસ્તાર એટલે કે સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પલવીબેન ઠાકર અને શાસક પક્ષનાં નેતા મનન અભાણીનો આ મત વિસ્તાર છે. ત્યારે શાસક પક્ષનાં પદાધિકારીઓનાં જ વિસ્તારમાં જાે આવી સમસ્યા હોય તો પછી સામાન્ય પ્રજાનું શું થતું હશે ? તેવો સવાલ ઉઠવા પામેલ છે. ભુગર્ભ ગટરની અનેક વિસ્તારોમાં સમસ્યા રહેલી છે. આ સમસ્યાનાં નિરાકરણ માટે કોઈ નકકર કાર્યવાહી થતી નથી. ઉલ્ટાનું ગટર વેરો ૧૦૦માંથી ર૦૦ કરી નાખવામાં આવ્યો છે જેનો ભારે વિરોધ થઈ રહયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ શહેરમાં રૂા. ૭૦૦ કરોડ જેવો ખર્ચ ભુગર્ભ ગટર યોજનામાં કરવામાં આવ્યો છે. પરંતુ ભુગર્ભ ગટર યોજના પાછળ કરવામાં આવેલો આ ખર્ચ પાણીમાં વહી ગયો હોય તેવી વ્યાપક ફરીયાદો ઉઠી છે.આ સમસ્યા માત્ર એક તળાવ ગેઈટ વિસ્તારની જ નથી પરંતુ જૂનાગઢ શહેરનાં દરેક વોર્ડમાં આજ પરિસ્થિતિ છે. ભૂગર્ભ ગટરનાં કામમાં છિંડા રહેલા જાેવા મળે છે. આટલું જ નહી જયાં પણ ગટરનાં કામ ચાલુ છે અને જે કામનો કોન્ટ્રાકટ આપેલ છે તે કોન્ટ્રાકટરો મહનગરપાલિકાનાં પદાધિકારી, અધિકારીઓને પણ દાદ આપતા નથી તો સામાન્ય પ્રજાનું શું ? આ ઉપરાંત ભૂગર્ભ ગટર કરે છે તેમાં મેઈન ચેમ્બરમાં ૮ -૧૦ ઘર (મકાન)નાં કનેકશન ફરજીયાત કોન્ટ્રાકટરો દ્વારા નાખવામાં આવે છે. શું આ એક ચેમ્બરમાં ૮ - ૧૦ કનેકશન હોઈ શકે ? આ ઉપરાંત લાંબા અંતરની શેરી હોય તેમાં અગાઉ ૭ ચેમ્બર હતી જયાં આજે ત્રણ જ ચેમ્બર કરી આવા ૮ - ૧૦ કનેકશનો આપવામાં આવે છે તો શું એક ઘરની પાઈપ લાઈન ભરાય એટલે તમામને આ ગટર ભરાવાની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ બાબત મ્યુનિ કમિશ્નરનાં ધ્યાનમાં કેમ આવતી નથી તેવો સૂર પણ વ્યકત થઈ રહયો છે. બીજી તરફ મનપા દ્વારા જે તે એજન્સીને ભૂગર્ભ ગટરની કામગીરી માટેનો વર્ક ઓર્ડર આપ્યા બાદ કામગીરી થતી હોય ત્યારે કોર્પોરેશનનાં જવાબદાર અધિકારીએ કામ બરોબર થયું છે કે નહી તેનું સમયાંતરે ચેકીંગ કરવું પડે અને જરૂરી દિશા-સૂચન પણ આપવા જ પડે અને તો જ કામગીરી અસરકારક થાય પરંતુ જૂનાગઢમાં તો ઉલ્ટી ગંગા જેવું થાય છે. વર્ક ઓર્ડર કોઈ અન્ય એજન્સીને આપ્યો હોય અને કામગીરી કરતું હોય કોઈ ત્રીજી જ એજન્સી, જયારે ગટર કે રસ્તા કે અન્ય કોઈપણ બાબતની કામગીરી દરમ્યાન સમસ્યા ઉભી થાય ત્યારે જે તે વિસ્તારમાં આ કામગીરી ચાલતી હોય તે વિસ્તારનાં લોકો ફરીયાદ કરવા માટે સ્થળ ઉપર પહોંચે અને રજુઆત કરે ત્યારે ખબર પડે કે આ કામગીરી તો કોઈ પેટા એજન્સીએ કરેલ છે અને આવી લાલિયાવાડી વચ્ચે જૂનાગઢ શહેરમાં વિકાસનાં કામો થાય છે. કેટલાક સ્થળોએ જે કામ ચાલતુ હોય તે નબળુ ચાલતુ હોય અને તે અંગેની જાણ જે તે વિસ્તારનાં કોર્પોરેટરને થતી હોય ત્યારે તે પણ સ્થળ ઉપર આવે છે અને કામગીરી કરનાર એજન્સીને સારી કામગીરી કરવા સ્પષ્ટ સૂચના પણ આપવામાં આવતી હોય છે પરંતુ બને છે એવું કે, આવા થર્ડ પાર્ટી કામ કરનારી એજન્સીનાં માણસો કોર્પોરેટરોને ગાઠતા નથી તેવી વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. જૂનાગઢ શહેરનાં લોકોને ભૂગર્ભ ગટરની સવલતો યોગ્ય રીતે પુરી પાડવાની માંગણી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અન્ય મોટા શહેરોમાં ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ખુબજ સારી રીતે કામ થયું છે અને લોકો પણ ખૂશ છે જયારે જૂનાગઢ શહેરનાં લોકોએ આટલી રાહ જાેયા પછી પણ જયારે ભૂગર્ભ ગટરની કામગીરી છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે પરંતુ તે લોટ પાણીને લાકડાને કારણે શહેરમાં ભૂગર્ભ ગટરનાં પાણી ફરી વળે છે. આગામી ચોમાસાનાં સમયમાં પરિસ્થિતિ વધુ ખરાબ બને તેવી ભીતી સેવાઈ રહી છે.