સુપ્રિમ કોર્ટમાં પછડાટ છતાં ટ્રમ્પ બેકાબુ : ૧૦ ટકા ગ્લોબલ ટેરિફ ઝીંકી

“અમે હાર માનવાના નથી : મારી પાસે બેકઅપ પ્લાન તૈયાર છે” : ટ્રમ્પ

સુપ્રિમ કોર્ટમાં પછડાટ છતાં ટ્રમ્પ બેકાબુ : ૧૦ ટકા ગ્લોબલ ટેરિફ ઝીંકી

(એજન્સી)    વોશીંગટન તા.૨૧: 
અમેરીકાની સુપ્રીમ કોર્ટે જૂના ટેરિફ રદ કર્યા પછી ટ્રમ્પે તરત જ એક નવો અભિગમ અપનાવતા કહ્યું કે અમેરિકા તેના વેપારને સુરક્ષિત રાખવા માટે નવા કાયદા હેઠળ કર લાદશે અને જો જરૂરી હોય તો તેમાં વધુ વધારો કરી શકે છે.યુનાઇટેડ સ્ટેટ્સ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ દ્વારા અગાઉ લાદવામાં આવેલા ટેરિફને અમાન્ય જાહેર કરી હતી. સુપ્રિમ કોર્ટે કહ્યું કે કોંગ્રેસની મંજૂરી વિના આવો ટેક્સ લાદી શકાય નહીં. ટ્રમ્પ આ ર્નિણયથી ગુસ્સે થયા હતા અને તેને નિરાશાજનક ગણાવ્યું હતું.ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેઓ હવે કલમ ૧૨૨ હેઠળ સમગ્ર વિશ્વ પર નવો ૧૦ ટકા ટેરિફ લાદશે. આ હાલના સામાન્ય ટેરિફ ઉપર હશે. તેમણે કહ્યું કે આ ટેરિફ લગભગ પાંચ મહિના સુધી અમલમાં રહેશે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આ તો શરૂઆત છે. આ પાંચ મહિના દરમિયાન, અમેરિકા વિવિધ દેશો પર તપાસ કરશે અને તારણોના આધારે, વધુ ટેરિફ લાદી શકે છે. તેમણે કહ્યું કે કેટલાક દેશો કડક ટેરિફને પાત્ર હશે, જ્યારે અન્ય ઓછા હોઈ શકે છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમની પાસે ઘણી સત્તાઓ છે અને જો તેઓ ઈચ્છે તો તેનાથી પણ વધુ કર લાદી શકે છે. તેમણે કોર્ટના ર્નિણયની ટીકા કરતા કહ્યું કે તેઓ ઘણું બધું કરી શકે છે, પરંતુ કેટલીક મર્યાદાઓ લાદવામાં આવી છે, જેને તેઓ યોગ્ય માનતા નથી.
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ન્યાયતંત્ર વચ્ચે ફરી એકવાર આરપારની જંગ શરૂ થઈ ગઈ છે. વિશ્વભરના દેશોમાંથી આવતી વસ્તુઓ પર જંગી આયાત શુલ્ક (ટેરિફ) લાદવાના ટ્રમ્પના ર્નિણયને સુપ્રીમ કોર્ટે ૬-૩ની બહુમતીથી ગેરબંધારણીય અને ગેરકાયદેસર જાહેર કર્યો છે. પરંતુ આ ઐતિહાસિક ચુકાદાના કલાકો બાદ જ ડોનાલ્ડ ટ્રમ્પે આક્રમક પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, આ ર્નિણયથી અમેરિકાના આર્થિક હિતોને નુકસાન થશે, પરંતુ અમે હાર માનવાના નથી. મારી પાસે આ સ્થિતિનો સામનો કરવા માટેનો બેકઅપ પ્લાન તૈયાર છે.