રાજ્યના કેબિનેટ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ મહાશિવરાત્રીના મેળાના રૂટનું પગપાળા ચાલીને નિરીક્ષણ કર્યું

જૂનાગઢ જિલ્લાના પ્રભારી તથા સહ પ્રભારી મંત્રીએ ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી ભાવિકોની સુવિધા અને વ્યવસ્થાઓને કેન્દ્રમાં રાખી વહીવટી તંત્રના અધિકારીઓ સાથે રૂટ નિરીક્ષણ કર્યું

રાજ્યના કેબિનેટ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ મહાશિવરાત્રીના મેળાના રૂટનું પગપાળા ચાલીને નિરીક્ષણ કર્યું

જૂનાગઢ તા.૯      
રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને ઊર્જા રાજ્યમંત્રી તથા જૂનાગઢ જિલ્લાના સહ પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ ૧૧મી ફેબ્રુઆરીએ શરૂ થવાથી રહેલા મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓનું ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી ચાલીને સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું.
ગુજરાત સરકારના મંત્રીઓએ મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને કેન્દ્રમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી રહેલી સુવિધાઓ અને વ્યવસ્થાઓનું સ્થળ પરથી જ નિરીક્ષણ કરીને જાણકારીઓ મેળવી હતી.
ખાસ કરીને મંત્રીશ્રીઓએ મહાશિવરાત્રીના મેળાની ભવ્યતા અને દિવ્યતા વધારવા તેમજ મહાશિવરાત્રીનું પર્વ અનેરા આનંદ ઉલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં ઉજવાય તે માટે જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપી હતી. આ સાથે લાઇટિંગ ડેકોરેશન અંગે પણ મંત્રીઓએ જરૂરી નિર્દેશ આપ્યા હતા. વધુમાં તેમણે મહાશિવરાત્રીના મેળાને તાજેતરમાં જ સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વની જે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, તેવી જ મહાશિવરાત્રીના મેળાની ભવ્ય ઉજવણી થાય તે સંદર્ભમાં પણ જરૂરી માર્ગદર્શન કર્યું હતું. આ રૂટ નિરીક્ષણમાં પરિવહન સેવા, ટ્રાફિક નિયમન, પીવાના પાણી, આરોગ્ય સહિતની સુવિધાઓ ઉપરાંત મહાશિવરાત્રી મેળા દરમિયાન યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમના મંચ સહિતની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ રૂટ નિરીક્ષણમાં મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા સહિતના પદાધિકારીઓ જોડાયા હતા, આ દરમિયાન જિલ્લા કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાએ મહાશિવરાત્રીના મેળામાં વહીવટી તંત્રની તૈયારીઓ અને અને ભાવિકો માટે ઊભી થઈ રહેલી સુવિધાઓથી વાકેફ કર્યા હતા.મંત્રીઓ સહિતના મહાનુભવોએ નિરીક્ષણ કર્યા બાદ ભવનાથ મંદિર ખાતે પહોંચ્યા હતા અહીં ભાવપૂર્વક ભવનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત ભવનાથ મંદિર અને મંદિર પરિસરમાં આવેલા મૃગીકુંડ અને શ્રદ્ધાળુઓ માટે જે વ્યવસ્થાગત ફેરફારો થયા છે તેની સાથે જ મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓને કેન્દ્રમાં રાખીને જે ફેરફાર કરવામાં આવ્યા છે, તે અંગે પણ મંત્રીઓએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.ઉપરાંત મંદિર પરિસરમાં ભગવાન શિવજીના કલાત્મક પેઇન્ટિંગ્સ બનાવવામાં આવ્યા છે, તેના આટિર્સ્ટની કલાને બિરદાવી મંત્રીશ્રીઓએ અભિનંદન આપ્યા હતા.
આ રૂટ નિરીક્ષણમાં જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, પ્રાંત અને મેળા અધિકારી ચરણસિંહ ગોહિલ, અગ્રણી ધવલ દવે, પુનિતભાઈ શર્મા, યોગીભાઈ પઢીયાર, કોર્પોરેટર શૈલેષભાઈ દવે સહિતના પદાધિકારી અધિકારી જોડાયા હતા.