આલ્ફા ઈન્ટરનેશનલ હોસ્ટેલનાં માલીક જી.પી. કાઠી તેમજ હોસ્ટેલ સંચાલક રાજાભાઈ ઝાલા વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ
જૂનાગઢ તા. ૧ર
તાજેતરમાં વિદ્યાર્થીને માર મારવાના બનાવને પગલે ભારે હોબાળો મચી જવા પામેલ છે. દરમ્યાન આ ઘટનાના અનુસંધાને આલ્ફા ઈન્ટરનેશનલ હોસ્ટેલનાં માલીક જી.પી. કાઠી તેમજ હોસ્ટેલનાં સંચાલક રાજાભાઈ ઝાલા વિરૂધ્ધ જાહેરનામા ભંગ અંગે સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવતા ચકચાર જાગી ઉઠી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં આવેલ આલ્ફા ઈન્ટરનેશનલ હોસ્ટેલનાં એક રૂમમાં રહેતા એક વિદ્યાર્થીને ૪ જેટલા વિદ્યાર્થીઓએ માર મારવાના બનાવનો વિડીયો વાયરલ થયા બાદ આ સમગ્ર ઘટનાક્રમની તપાસ હાથ ધરવામાં આવી છે. અને આવા બનાવો ભવિષ્યમાં ન બને તે માટે તકેદારીનાં પગલા લેવામાં આવનાર હોવાનું પણ જાણવા મળે છે. આ દરમ્યાન ઉચ્ચકક્ષાની તપાસનીય કમીટીમાં સનસનીખેજ ખુલાસાઓ થયા છે અને સરકારના નિયમોનું કોઈ જાતનું પાલન આ હોસ્ટેલનાં માલીક જી.પી. કાઠી તેમજ હોસ્ટેલનાં સંચાલક રાજાભાઈ ઝાલાએ પાલન ન કર્યુ હોવાની વિગતો બહાર આવી છે. અને આ સમગ્ર પ્રકરણે ભારે ચકચાર જગાવી છે. આ દરમ્યાન આલ્ફા હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાનાં મામલાની ગુંજ છેક ગાંધીનગર સુધી પણ ઉઠવા પામી હતી. અને ગાંધીનગરની એક ટીમે આલ્ફા હોસ્ટેલમાં ધામા નાખ્યા છે. અને સરકારના નિયમોનું પાલન થાય છે કે નહી તે સંબંધીત અનેક મુદે તપાસની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ભારે હડકંપ મચી જવા પામેલ છે.
આ દરમ્યાન આલ્ફા ઈન્ટરનેશનલની આલ્ફા હોસ્ટેલના માલીક ગિરીશભાઈ પુંજાભાઈ કાઠી (જી.પી. કાઠી) રહે. ર૦૪, રાયજીનગર, મોતીબાગ, જૂનાગઢવાળા વિરૂધ્ધ સી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પ્રો.ઈન્સ. વી.જે. સાવજે જાતે ફરીયાદી બની અને ફરીયાદ નોંધાવી છે. જી.પી. કાઠી વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે આ કામના આરોપીએ પોતાના કબ્જા/માલીકીની જૂનાગઢ મધુરમ બાયપાસ રોડ એ-૧ પાર્ક ખાતે આવેલ આલ્ફા નામે ઓળખાતી હોસ્ટેલ આ કામના રાજાભાઈ દાનાભાઈ ઝાલા કારડીયા રાજપુત રહે. જૂનાગઢવાળાને સંચાલન કરવા ૧૧ મહીનાના કરાર ઉપર ભાડેથી આપી જે ભાડા કરારની નોંધણી આ કામના આરોપી હોસ્ટેલના માલીક દ્વારા જે તે વખતે તેમજ આજદીન સુધી અત્રેના પોલીસ સ્ટેશનમાં નહી કરાવી અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ જૂનાગઢના મકાન ભાડુઆતના લગત જાહેરનામાનો ભંગ કરવા અંગે ગુનો દાખલ કરવામાં આવેલ છે.
હોસ્ટેલના સંચાલક વિરૂધ્ધ પણ ગુનો દાખલ
સી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પ્રો.ઈન્સ. વી.જે. સાવજ દ્વારા આલ્ફા હોસ્ટેલનાં સંચાલક વિરૂધ્ધ પણ જાહેરનામા ભંગ અંગે ગુનો દાખલ કરવામાં આવેલ છે.
હોસ્ટેલનાં સંચાલક રાજાભાઈ દાનાભાઈ ઝાલા કારડીયા રાજપુત (ઉ.વ. પ૧) ગૃહપતિ રહે. મુળ અમરાપુર ગીર હાલ હાઉસીંગ બોર્ડ, જૂનાગઢવાળા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે આ કામના આરોપીએ જૂનાગઢ મધુરમ બાયપાસ રોડ એ-૧ પાર્ક આલ્ફા હોસ્ટેલ ૧૧ મહીનાના કરારથી ભાડે રાખી હોસ્ટેલનું સંચાલન કરતા હોય અને ગત તા. ર૭-૭-રપના રોજ પોતાની હોસ્ટેલમાં બનેલ બાળકો વચ્ચેના મારામારીના બનાવ અંગેની જાણ કરવા પોતે કાયદેસર રીતે બંધાયેલા હોય આમ છતાં ભોગ બનનારના વાલી તથા લગત પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ નહી કરી અને પોતાની હોસ્ટેલના કેમ્પસમાં લગાડેલ સીસી ટીવી કેમેરાનું દિવસ-૩૦ સુધીનુ બ્રેકઅપ નહી જાળવી અધિક જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યા અંગેની ફરીયાદ દાખલ કરવામાં આવી છે. અને તપાસની કામગીરી હાથ ધરાય છે.


