જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં ગરમીનો પ્રકોપ

હાઈએલર્ટ, યલો એલર્ટનાં સમયમાં પ્રવાસનાં કાર્યક્રમોને બ્રેક લાગી, વેકેશન તો પડયું પણ બાળકોને કયાં ફરવા  લઈ જવા, ગરમી વેરણ બની

જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં ગરમીનો પ્રકોપ

જૂનાગઢ તા. ૩૦
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્ર ભરમાં ગરમીનો પ્રકોપ ફાટી નીકળ્યો છે અને જનજીવન પ્રભાવિત બન્યું છે. જેની સીધી અસર પ્રવાસનાં કાર્યક્રમોનાં આયોજનમાં પડી છે. ઉપરાંત ખાનગી વાહનો, એસટી, રેલ્વેમાં પણ બુકીંગ ઉપર અસર પડી છે. શાળાઓમાં પરીક્ષાઓ પુર્ણ થતાં વેકેશન પડતાજ લગભગ મોટાભાગનાં શહેરોમાં વાલીઓ દ્વારા પોતાનાં બાળકોને જુદા જુદા સ્થળોએ ફરવા માટે લઈ જવાનાં ભાગરૂપે પ્રવાસનાં કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. પરંતુ આ વર્ષે ગરમી વેરણ બનતા જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં મોટાભાગનાં શહેરમાં પ્રવાસના કાર્યક્રમોને  પડતા મુકી દેવામાં આવ્યા છે અથવા તો  કેન્સલ કરી નાખવામાં આવ્યા હોવાનું બહાર આવેલ છે.
ઉનાળાનાં સમયમાં બાળકો, વિદ્યાર્થીઓને ગરમીનાં દિવસોમાં શાળાએ જવાનો સમય ફેરફાર કરવામાં આવતો હોય છે. ઉપરાંત પરીક્ષા લેવાઈ ગયા બાદ શાળા, કોલેજ, પ્રાથમિક કક્ષાએ વેકેશન પડતું હોય છે. આ વર્ષે 35 દિવસનું વેકેશન શૈક્ષણિક  કેલેન્ડર અનુસાર રાખવામાં આવેલ છે. વેકેશન પડે એટલે પરીવારજનો પોતાના બાળકોને, વિદ્યાર્થીઓને જુદા જુદા સ્થળોએ ફરવા માટે લઈ જતાં હોય છે અને જેના ભાગરૂપે  પ્રવાસનાં કાર્યક્રમો યોજાતા હોય છે. પરંતુ આ વર્ષે પ્રવાસનાં કાર્યક્રમોમાં ઓટ આવી છે. 
ચૈત્ર માસ શરૂ થવાની  સાથેજ ગરમી પડવી શરૂ થઈ હતી અને વૈશાખમાં તો ગરમીનો પારો 42, 44 ડીગ્રી સુધી પહોંચી જવાનાં કારણે ગરમીનો પ્રકોપ  વરસી રહયો છે. ગરમીનાં આક્રમણ સામે સવારનાં 11 વાગ્યાથી લઈ સાંજનાં 6 વાગ્યા સુધી ઘરની બહાર નીકળવું મુશ્કેલ બને છે. ગરમીથી બચવા તેમજ લુ, સનસ્ટ્રોકથી બચવા માટે ખાસ ધ્યાન રાખવું પડે છે. પાણી ખુબ પીવું તેમજ ‘તાપ’નાં સમયે ઘરમાંથી બહાર ન નીકળવું તેવી સુચનાઓ જારી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા અનુસાર પાલન કરવું જરૂરી છે. અલનીનોની અસરને કારણે તાપમાનનો પારો આગામી દિવસોમાં વધુ ઉંચે જવાની શકયતા છે. ૪પ થી પપ ડીગ્રી વચ્ચે તાપમાન રહે તો કેવી હાલત સર્જાઈ? તેની કલ્પના કરવીજ મુશ્કેલ છે. સતત ગરમીના પ્રકોપ સામે જનજીવન પ્રભાવીત તો થયું છે અને બિચારૂ પણ થયું છે. 
એકતરફ ગરમી અને સાથેજ બાળકોને માટે વેકેશનનો સમય પણ શરૂ થયો છે. અસહય ગરમીના દિવસોમાં બાળકોને  ફરવા લઈ જવા તો કયાં લઈ 
જવા ? તેવો સવાલ ઉઠયો છે. બીજીતરફ જયાં સુધી ગરમીનું પ્રમાણ ઘટે નહીં ત્યાં સુધી  વાલીઓ પોતાનાં બાળકોને ફરવા લઈ જઈ શક ેતેવી સ્થિતી નથી. જેને કારણે પ્રવાસનાં કાર્યક્રમો મોટાભાગનાં કેન્સલ થયા છે અને પ્રવાસ માટે  અગાઉથી બુકીંગ થતા હતા તેવી આજે સ્થિતી નથી. જેના કારણે  એસટી, રેલ્વે, ખાનગી ટ્રાવેલ્સ તેમજ ફરવા લાયક સ્થળો માટેનાં કોઈ બુકીંગ હાલ થતા ન હોવાનું જાણકાર સુત્રોએ જણાવેલ છે.  ગરમીમાં રાહત મળે અને ઠંડુ વાતાવરણ બને પછી પ્રવાસનાં કાર્યક્રમો યોજી શકાય તેવી સ્થિતી છે. હાલ તો હાઈએલર્ટ, ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટમાંથી હેમખેમ પસાર થવાનું છે.