મહાનગરપાલિકા બન્યાને 23 વર્ષ થયા પરંતુ જૂનાગઢ શહેરની ગામડા કરતા પણ બદતર હાલત !
મનપાનાં વર્તમાન શાસકોનાં અઢી વર્ષ પણ પુરા થયા નથી ત્યાં 3 કમિશ્નર બદલાયા
જૂનાગઢ તા.24
નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતર થયાને 23 વર્ષ જેટલો સમયગાળો થયો હોવા છતાં આજે પણ જૂનાગઢ શહેરની હાલત ગામડા કરતા પણ ભારે બદતર છે. પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં મનપાના શાસકોની અણઆવડત, બેદરકારી, આડેધડ કામ કરવાની કામગીરીને લઈને નગરજનો રસ્તા સહીતનાં અનેક પ્રશ્નોથી પીડાઈ રહયા છે અને સારી સુવિધાથી વંચિત છે. દરમ્યાન વર્તમાન ભાજપનાં શાસકોને કાર્યભાર સંભાળ્યાને અઢી વર્ષની મુદત પણ મુદત પુરી થઈ નથી તેવા સંજાેગોમાં અત્યાર સુધીમાં 3 કમિશ્નરોની બદલી થઈ છે. તાજેતરમાં મનપાનાં કમિશ્નર પ્રભવ જાેષીની અચાનક બદલી થતાં નવા કમિશ્નર તરીકે આઈ.આર. વાળા મુકાયા છે. જૂનાગઢમાં મનપામાં કમિશ્નર કેમ લાંબો સમય ટકતા નથી અને ઓચિંતા કેમ તેમની બદલી કરી નાખવામાં આવે છે. તેવા સવાલો આજે નગરજનોમાં ભારે ચર્ચાસ્પદ બનેલ છે. એકતરફ પ્રાથમીક સુવિધાનાં પ્રશ્ને લોકો ભારે હાલાકી ભોગવી રહયા છે. ઉપરાંત વારંવાર થતી કમિશ્નરની બદલીને કારણે પણ કામગીરીને અસર પહોંચી રહી હોવાની ફરીયાદો ઉઠવા પામી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની મુદત પુર્ણ થયા બાદ વહીવટદાર તરીકે ડો.ઓમપ્રકાશએ કેટલોક સમય ચાર્જ સંભાળ્યો હતો ત્યારબાદ મનપાની ચુંટણી સંપન્ન થતા ભાજપને બહુમતી મળતા ભાજપનાં પદાધિકારીઓએ શાસન ધુરા સંભાળી છે. આ સમયગાળા દરમ્યાન ડો.ઓમપ્રકાશની બદલી થતાં નવા કમિશ્નર તરીકે તેજસ પરમાર મુકાયા હતા. તેજસ પરમારની પણ થોડા સમય બાદ બદલી થતાં જૂનાગઢ મનપાનાં કમિશ્નર તરીકે પ્રભવ જાેષીની નિમણૂંક થઈ હતી. અઢી માસનાં સમયગાળામાં તેઓને પણ તાજેતરમાં બદલી નાખવામાં આવ્યા છે અને નવનિયુકત કમિશ્નર આઈ.આર. વાળા નજીકનાં સમયમાં જ ચાર્જ સંભાળનાર છે. જૂનાગઢ મનપાનાં કમિશ્નરોની વારંવાર થતી બદલીઓને કારણે મનપાની કામગીરીને અસર પહોંચી છે.
જૂનાગઢ નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતર થયાને બે દાયકા ઉપરાંતનો સમયગાળો થયો છે પરંતુ જૂનાગઢ શહેરમાં લોકોને પ્રાથમિક સુવિધા પણ પુરી પાડવામાં શાસકો નિષ્ફળ રહયાની ફરીયાદ છે. ભંગાર રસ્તાઓ, ગંદકીના ઢગલા, પીવાના પાણીની તંગી અને સ્ટ્રીટલાઈટસની અછત સહીતની સમસ્યાઓ હજુ પણ જેમની તેમ રહેલી છે.
જૂનાગઢ શહેરની સરખામણીમાં મહાનગરપાલિકા બનેલા અન્ય શહેરોનો સર્વાંગી વિકાસ ઉડીને આંખે વળગે તેવો છે. જૂનાગઢથી માત્ર 105 કિ.મી. દુર આવેલા રાજકોટ શહેરનાં સુંદર રસ્તા, ઝડપી ઓવરબ્રીજની કામગીરી અને અનેક વિકાસ કામોને લઈને રાજકોટ શહેર સૌરાષ્ટ્રનું પ્રથમ નંબરનું આર્થિક ક્ષેત્રે પણ મહત્વનું શહેર બની ગયું છે. જયારે જૂનાગઢ શહેરની વાત કરીએ તો કોઈ મોટા ઉદ્યોગ, ધંધા ન હોવાનાં કારણે બેરોજગારીની સમસ્યા વચ્ચે ભીસાયેલું શહેર છે. આ ઉપરાંત આ શહેરમાં એટલે કે મહાનગરપાલિકાનાં કાર્યકાળમાં પણ આ શહેર સાચા અર્થમાં વિકાસ ઝંખે છે. પરંતુ લોકોનાં સ્વપ્નોને સાકાર કરવામાં પ્રજાનાં સેવકો ઉણા ઉતર્યા છે. રાજય સરકાર દ્વારા શહેરી વિકાસ યોજના ઉપરાંત જુદી-જુદી વિકાસ માટેની યોજનાઓ પાછળ વારંવાર નાણાં ફાળવે છે. પરંતુ સરકાર દ્વારા ફાળવવામાં આવેલી કરોડોની ગ્રાન્ટ અયોગ્ય વહીવટને કારણે વેડફાઈ જાય છે. જૂનાગઢ શહેરનાં ટાઉનહોલ પાછળ કરોડોનું આંધણ થયું છે. તેમ છતાં શામળદાસ ગાંધી ટાઉનહોલ આજે બંધ હાલતમાં છે. નરસિંહ મહેતા સરોવરને નયનરમ્ય બનાવવાની કામગીરી પાછળ પણ કરોડો ખર્ચાયા પણ કાંઈ વળ્યું નહીં તેવો ઘાટ સર્જાયો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા જૂનાગઢનાં ખરાબ રસ્તા બાબતે ગંભીર નોંધ લીધી હતી અને જૂનાગઢને સારા સુવિધાજનક રસ્તા તાત્કાલીક કરવા આદેશ અપાયો હતો અને ગત ચોમાસા દરમ્યાન મુખ્યમંત્રી દ્વારા સુચના આપી હતી પરંતુ આ વર્ષનું ચોમાસુ આવી ગયું હોવા છતાં પણ સુવિધાજનક રસ્તા આપવામાં શાસકો સરેઆમ નિષ્ફળ રહયા છે તેવી વ્યાપક ફરીયાદો ઉઠી છે. જૂનાગઢ શહેરનાં લોકોને પાયાની સુવિધા યોગ્ય રીતે મળી રહે તે માટે માસ્ટર પ્લાન ઘડી અને તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.


