જૂનાગઢની શાન ‘ગીર કેસર’: આધુનિક ટેકનોલોજી અને GI ટેગના સંગમથી વૈશ્વિક ઓળખ મજબૂત બની

સ્વાદ અને સુગંધનો રાજા ‘ગીર કેસર’: ગુજરાતના કેસર બેલ્ટમાંથી ૩ લાખ મેટ્રિક ટનથી વધુનું ઉત્પાદન, 'કેસર'ની સોડમ અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા....સુધી પહોંચી

જૂનાગઢની શાન ‘ગીર કેસર’: આધુનિક ટેકનોલોજી અને GI ટેગના સંગમથી વૈશ્વિક ઓળખ મજબૂત બની

જૂનાગઢ,તા. 15
જૂનાગઢ અને ગીર વિસ્તારની “ગીર કેસર” કેરી ગુજરાતને પણ આગવી ઓળખ અપાવે છે. તેની અનોખી મીઠાશ, આકર્ષક કેસરિયા રંગ, સુગંધ અને રસાળ પલ્પને કારણે આ કેરી દેશ-વિદેશમાં ખૂબ લોકપ્રિય બની છે. ગીરના વિશિષ્ટ હવામાન, જમીન અને કુદરતી પરિસ્થિતિઓને કારણે અહીં ઉત્પન્ન થતી કેરીમાં વિશેષ ગુણવત્તા જોવા મળે છે.
ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના ખેડૂતો વર્ષોથી પરંપરાગત રીતે કેસર કેરીનું ઉત્પાદન કરતા આવ્યા છે, જેના કારણે આ વિસ્તાર “કેસર બેલ્ટ” તરીકે પણ ઓળખાય છે. તેમાં પણ કેસરને વર્ષ 2011માં ભૌગોલિક સંકેત (Geographical Indication – GI Tag) પ્રાપ્ત થયો. આમ, “ગીર કેસર” નામને કાનૂની સુરક્ષા મળી છે અને ગીર વિસ્તાર સિવાય અન્યત્ર ઉત્પન્ન થતી કેરીને આ નામથી વેચી શકાતી નથી. આ માન્યતા મળવાથી ખેડૂતોને આંતરરાષ્ટ્રીય બજારમાં વિશ્વસનીયતા અને વધુ સારો ભાવ મળવા લાગ્યો છે.
ગુજરાતના GI ટેગ ધરાવતા કૃષિ ઉત્પાદનોમાં ગીર કેસરનું વિશેષ સ્થાન છે અને તે રાજ્યની કૃષિ ગૌરવનું પ્રતિક માનવામાં આવે છે.
ગીર કેસર કેરીનું ઉત્પાદન છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી વધ્યું છે. હાલમાં ગુજરાતમાં અંદાજે 44,000 હેક્ટર વિસ્તારમાં કેસર કેરીની ખેતી થાય છે અને સરેરાશ 3.15 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. જેમા મુખ્યત્વે કેરી પકવતા જિલ્લાઓમા જૂનાગઢ જીલ્લામા 9510 હેક્ટર, ગીર સોમનાથ જીલ્લામા 19183 હેક્ટર, અમરેલી જીલ્લામા 8243 હેક્ટરમા વાવતેર થયેલ છે, જેનુ સરેરાસ અંદાજીત ઉત્પાદન 2.60 લાખ મેટ્રીક ટન ઉત્પાદન થાય છે. સૌરાષ્ટ્ર વિસ્તારમા તાલાળા માર્કેટ યાર્ડ ગીર કેસરનું સૌથી મોટું વેપાર કેન્દ્ર ગણાય છે, જ્યાં દર વર્ષે લાખો બોક્સ કેરીની હરાજી થાય છે. કેસર કેરીનું મુખ્ય સિઝન એપ્રિલ થી જૂન સુધી ચાલે છે.
ગીર કેસર કેરીની આંતરરાષ્ટ્રીય માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં ગીર કેસરની નિકાસ કરવામાં આવે છે. ગુજરાતમાંથી વર્ષ 2025-26(એપ્રીલ સુધી) અંદાજે 535 મેટ્રીક ટન, વર્ષ 2024-25 દરમિયાન આશરે 856 મેટ્રિક ટન, વર્ષ 2023-24 દરમિયાન આશરે 689 મેટ્રિક ટન કેરીની નિકાસ થઈ હતી, જેમાં ગીર કેસરનો મહત્વપૂર્ણ હિસ્સો રહ્યો હતો. જે પૈકી અમેરીકા અને ઓસ્ટ્રેલીયા જેવા દેશો કે જ્યા રેડીયેશન પ્રક્રીયા જરૂરી છે તે માટે બાવળા ખાતે સ્થાપિત રેડિયેશન પ્રોસેસિંગ યુનિટ દ્વારા લગભગ ગત વર્ષમા અંદાજે ૨૨૪ મેટ્રિક ટન કેસર કેરીને પ્રક્રિયા કરી વિદેશમાં મોકલવામાં આવી હતી. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી કુલ 3000 મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ નોંધાઈ છે, જે રાજ્યના ખેડૂતો માટે ગૌરવની બાબત છે.
ગીર કેસર કેરીની નિકાસને વધુ પ્રોત્સાહન આપવા માટે કેશોદ એરપોર્ટ ખાતે વિશેષ કાર્ગો અને એક્સપોર્ટ હબ વિકસાવવાની યોજના હાથ ધરાઈ છે. આ સુવિધાથી ખેડૂતોને મુંબઈ અથવા અન્ય શહેરોમાં કેરી મોકલવાની જરૂરિયાત ઓછી થશે અને ઓછા ખર્ચે સીધી નિકાસ શક્ય બનશે. GI ટેગ, આધુનિક નિકાસ સુવિધાઓ અને વૈશ્વિક માંગના કારણે ગીર કેસર કેરી આજે માત્ર ફળ નહીં પરંતુ ગુજરાતની કૃષિ સમૃદ્ધિ, ખેડૂતોની મહેનત અને વૈશ્વિક ગુણવત્તાનું પ્રતિક બની ગઈ છે.
કેરી અથવા અન્ય કોઇ પણ બાગાયતી પેદાશો કે જે વિદેશમા નિકાસ કરવાની થતી હોય તેના માટે અપેડા ફાર્મ રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત છે.
ફાર્મ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા
જે નિકાસકાર/ખેડૂતો દેશોમાં ફળ અને શાકભાજી નિકાસ કરવા માંગતા હોય તો તેઓએ પોતાની વાડી/ખેતરનું અપેડાના Hortinet પોર્ટલ પર ફાર્મ રજીસ્ટ્રેશન કરાવવાનુ ફરજીયાત છે. જે અંતર્ગત ફોર્મ (Appendix-A) ભરી જે તે જિલ્લાની બાગાયત કચેરી પર આપવાનુ હોય છે.
ફોર્મ સાથે આપવાના સાધનિક કાગળો/પુરાવા માટે   Appendix (A) – ફાર્મ રજીસ્ટ્રેશનનું ફોર્મ,7/12, 8-અ ,આધાર કાર્ડ ,Appendix (C) – ફાર્મ ડાયરી રહેશે.
ફાર્મ રજીસ્ટ્રેશન કરવા પહેલા બાગાયત ખાતાના નિયુક્ત અધિકારી દ્વારા નિયમો મુજબ વાડી/ખેતરની સ્થળ ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ બધુ યોગ્ય જણાતા જે તે ખેડૂતના નામ હેઠળ પ્લોટની નોંધણી Hortinet પોર્ટલ પર કરવામાં આવે છે.Hortinet પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યા બાદ, ફાર્મ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ (2A) ખેડૂતો/નિકાસકારોને આપવામાં આવશે. કેરી માટે આપવામાં આવેલ ફાર્મ રજીસ્ટ્રેશનની માન્યતા 5 વર્ષ; શાકભાજી માટે એક વર્ષ રહેશે. રજીસ્ટ્રેશન સર્ટીફીકેટની સમય મર્યાદા પુર્ણ તથા તેને પાછુ નિયત સમયમાં રીન્યુ કરાવવાનું હોઇ છે. Hortinet પોર્ટલ પર ફાર્મ રજીસ્ટ્રેશનની પુરેપુરી પ્રક્રિયા નિ:શુલ્ક છે.