જૂનાગઢનાં સકકરબાગ નજીક સદગુરૂ એન્ટરપ્રાઈઝ નામના બંધ ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગી
જૂનાગઢ તા. 15
હાલ કાળઝાળ ગરમીને કારણે અનેક જગ્યાએ આગ લાગવાનાં બનાવો બની રહયા છે ત્યારે જૂનાગઢમાં એક ગોડાઉનમાં ગઈકાલે રાત્રે આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો. જૂનાગઢનાં સકકરબાગ વિસ્તારમાં એચડીએફસી બેંકવાળી ગલીમાં આવેલા સદગુરૂ એન્ટરપ્રાઈઝ નામના એક બંધ ગોડાઉનમાં ગત મોડી રાત્રીનાં અચાનક આગ ફાટી નીકળી હતી. રાત્રીનાં 11.52 વાગ્યે આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ જૂનાગઢ ફાયર વિભાગને કરવામાં આવતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ધુમાડો ફેલાયો હોય જેથી 30 મીનીટ સુધી એકઝોટ ફેનનો ઉપયોગ કરી ધુમાડાનું આવરણ દુર કરવામાં આવ્યું હતું અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી 50,000 લીટર પાણીનો મારો ચલાવી સતત 3 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.


