જૂનાગઢ જીલ્લા પંચાયતની ૩૦ સીટ માટે ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ : ૩૦૦ દાવેદારો
જૂનાગઢ તા. ર
જૂનાગઢ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની મહત્વની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અને બે દિવસ સુધી આ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. અને ત્યારબાદ નિરીક્ષકો દ્વારા રીપોર્ટ તૈયાર કરી અને પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે અને ત્યારબાદ જે તે બેઠકનાં ઉમેદવારોને જાહેર કરવામાં આવશે.
ગઈકાલે ચુંટણી આયોગ દ્વારા જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા સહીતની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણી અંગેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો અને જેને લઈને રાજકીય ગતિવિધિ અત્યંત તેજ બની ગઈ હતી. જૂનાગઢ જીલ્લા પંચાયતની ૩૦ સીટ માટે ૩૦૦ જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર જિલ્લા ભાજપ કાર્યાલય અને વંથલી માર્કેટિંગ યાર્ડ એમ બે અલગ-અલગ સ્થળોએ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ અને દાવેદારોના મંતવ્યો જાણવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયાને પગલે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે અને વહેલી સવારથી જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા.
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વંથલી તાલુકો, મેંદરડા તાલુકો, વિસાવદર તાલુકો અને જૂનાગઢ તાલુકાના દાવેદારો માટે સેન્સ લેવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે માણાવદર તાલુકો, કેશોદ તાલુકો, માળીયા તાલુકો અને માંગરોળ તાલુકાના ઉમેદવારો અંગે મંતવ્યો મેળવવાની પ્રક્રિયા તેજ ગતિએ ચાલી રહી છે.
નિરીક્ષકો દ્વારા દરેક મંડલના હોદ્દેદારો અને સક્રિય કાર્યકરો સાથે વ્યક્તિગત તેમજ સામૂહિક ચર્ચાઓ કરીને સંભવિત ઉમેદવારોના નામની યાદી તૈયાર કરવામાં આવી રહી છે.
જૂનાગઢ ખાતે નિરીક્ષકો તરીકે પૂર્વ સાંસદ જયસિંહ ચૌહાણ, ગાંધીનગરના પૂર્વ શહેર મહામંત્રી ગૌરાંગ પટેલ અને પ્રદેશ કારોબારી સભ્ય અનિતાબેન પરમાર ઉપસ્થિત રહીને કાર્યકરોને સાંભળ્યા હતા. જ્યારે વંથલી ખાતે પ્રદેશ કારોબારી સભ્ય હિતેશકુમાર પટેલ, શશીકાંત પંડ્યા અને પુષ્પાબેન ઠાકોર દ્વારા ઉમેદવારી ફોર્મ અને દાવેદારોની ક્ષમતા અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
આ તમામ નિરીક્ષકો કાર્યકર્તાઓના મંતવ્યો અને સંગઠનની મજબૂતીને ધ્યાને રાખીને પોતાનો રિપોર્ટ પ્રદેશ કક્ષાએ રજૂ કરશે જેના આધારે અંતિમ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે તેમ જાણવા મળે છે.


