હુસેના બિલ્ડીંગથી મજેવડી દરવાજા સુધીનાં માર્ગની કામગીરી વહેલી તકે પુર્ણ કરો

વાહન મળતા નથી, લોકોને ભારે હાલાકી

હુસેના બિલ્ડીંગથી મજેવડી દરવાજા સુધીનાં માર્ગની કામગીરી વહેલી તકે પુર્ણ કરો

જૂનાગઢ તા. ૮
જૂનાગઢ શહેરમાં ડીસ્ટ્રીકટ કોર્ટની બાજુમાં આવેલ હુસેના બિલ્ડીંગનાં ચોકથી મજેવડી દરવાજાનાં મુખ્ય માર્ગને કામગીરી સબબ ૩-૩ ફુટ જેટલો ખોદી નાખવામાં આવેલ છે. આ માર્ગ ઉપર વહેલી તકે કામગીરી પુર્ણ કરી અને રસ્તો બનાવી આપવાની માંગણી ઉઠવા પામી છે. જૂનાગઢ શહેરનાં અનેક વિસ્તારોમાં કયાંક ને કયાંક રસ્તાઓ ખોદી નાખવામાં આવેલ છે અને અધુરી કામગીરી છોડી દેવાનાં કારણે લોકોની મુશ્કેલીમાં સતત વધારો થાય છે. કોર્પોરેશનનું તંત્ર પ્રજાનાં પ્રશ્ને પુરતું ધ્યાન દેતું ન હોવાનાં કારણે હવે લોકો રસ્તા ઉપર ઉતરી આવે છે અને વહેલી  તકે રસ્તાની કામગીરી પુરી કરવા માંગ કરે છે.આજે શહેરનાં વિવિધ વિસ્તારોમાં રસ્તાનાં ખોદકામને કારણે જનજીવનને અવર-જવર માટે ભારે મુશ્કેલી પડી રહી છે. દરમ્યાન રસ્તાનાં ખોદકામને કારણે વધુ એક વિસ્તારમાં મુશ્કેલી સર્જાઈ છે. હુસેના બિલ્ડીંગથી મજેવડી દરવાજા સુધીનાં મુખ્ય માર્ગને તંત્ર દ્વારા ખોદી નાખવામાં આવેલ છે. છેલ્લા ઘણાં સમયથી આ રસ્તો ખોદાયેલી હાલતમાં હોવાનાં કારણે રાહદારીઓ અને વાહનચાલકોને અહીંથી પસાર થવું એટલે આફતનાં પડીકારૂપ બાબત જેવો ઘાટ સર્જાઈ છે. આ માર્ગ સામાન્ય રસ્તો નથી. અહીં ફેમીલી કોર્ટ, ઓબ્ઝર્વેશન હોમ, અંધશાળા, લેબર કોર્ટ, બહેરા મુંગા શાળા, જુવેનાઈલ કોર્ટ તેમજ સિવીલ હોસ્પીટલ પણ આ માર્ગ નજીક પડતી હોય છે. પરંતુ આ માર્ગ ખોદી નાખવામાં આવેલ હોય જેને કારણે ઉપરોકત માર્ગ ઉપર પસાર થવામાં અનેક મુશ્કેલી ઉભી થાય છે. વાહનો મળતા નથી, બિમાર દર્દીને ઈમરજન્સીમાં હોસ્પીટલે જવાનું થાય તો ફરી ફરીને જવું પડે છે. દુર દુરથી આવતા દર્દીઓને સિવીલ હોસ્પીટલે જવું હોય તો ફરીને મોટું ચકકર કાપવું પડે છે. આ ઉપરાંત વેપારીઓ, આસપાસનાં રહેવાસીઓને પણ ભારે તકલીફ પડી રહી છે. હુસેના બિલ્ડીંગથી મજેવડી દરવાજાનાં મુખ્ય માર્ગ ઉપર જે કોઈ કામગીરી કરવામાં આવતી હોય તે વહેલી તકે પુર્ણ કરી લેવાની માંગણી ઉઠવા પામી છે.