વિવેક ઓબેરોયની હિરોઈન અરૂણા શીલ્ડ્સે કેમ છોડી ફિલ્મી દુનિયા? કરિયરના પીક પર અપનાવ્યો અધ્યાત્મનો માર્ગ
'પ્રિન્સ' ફિલ્મથી રાતોરાત ચર્ચામાં આવેલી અભિનેત્રી આજે ગ્લેમરથી દૂર ધ્યાન, માનસિક આરોગ્ય અને આધ્યાત્મિક જીવનને સમર્પિત
મુંબઈ, તા.4
વર્ષ 2010માં આવેલી ફિલ્મ 'પ્રિન્સ' અને તેના લોકપ્રિય ગીત 'તેરે લિયે'થી ચર્ચામાં આવેલી અભિનેત્રી અરૂણા શીલ્ડ્સ એક સમયે બોલિવૂડની ઉભરતી અભિનેત્રીઓમાં ગણાતી હતી. વિવેક ઓબેરોય સાથેની તેમની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી અને ગ્લેમરસ અંદાજે તેમને ટૂંકા સમયમાં જ લોકપ્રિય બનાવી દીધા હતા. જોકે, કરિયર સફળતાના શિખરે પહોંચ્યું ત્યારે જ તેમણે ફિલ્મી દુનિયાને અલવિદા કહીને અધ્યાત્મનો માર્ગ પસંદ કર્યો.
બ્રિટનમાં જન્મેલી અને ઉછરેલી અરૂણા શીલ્ડ્સે ડરહામ બોર્ડિંગ સ્કૂલ તેમજ યુનિવર્સિટી ઓફ ધ આર્ટ્સ, લંડનમાં અભ્યાસ કર્યો હતો. 'મિસ ઇન્ડિયા ટેલેન્ટ યુકે'નો ખિતાબ જીત્યા બાદ તેમને ફિલ્મોમાં કામ કરવાની તક મળી હતી. માર્શલ આર્ટ્સમાં પ્રશિક્ષિત અરૂણાએ 'પ્રિન્સ' ફિલ્મના અનેક એક્શન દૃશ્યો પોતે જ કર્યા હતા. ત્યારબાદ તેમણે આંતરરાષ્ટ્રીય ફિલ્મો અને બ્રિટિશ ડ્રામા પ્રોજેક્ટ્સમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી.
વર્ષ 2011માં જ્યારે તેમનું કરિયર ઝડપથી આગળ વધી રહ્યું હતું, ત્યારે તેમણે જીવનમાં સંપૂર્ણ બદલાવ લાવવાનો નિર્ણય લીધો. ગ્લેમરની દુનિયાથી દૂર જઈ તેમણે માનવ મનોવિજ્ઞાન, ધ્યાન અને આધ્યાત્મિક જીવનનો અભ્યાસ શરૂ કર્યો. બાદમાં તેમણે ક્લિનિકલ હિપ્નો-સાયકોટહેરાપિસ્ટ અને માઇન્ડફુલનેસ ટીચર તરીકે તાલીમ મેળવી.
વર્ષ 2015માં અરૂણાએ 'Return to Calm' નામની આંતરરાષ્ટ્રીય થેરાપી પ્રેક્ટિસ શરૂ કરી. આ પહેલ દ્વારા તેઓ લંડન, લોસ એન્જલસ, માલિબુ અને સિલિકોન વેલી જેવા શહેરોમાં લોકોને માનસિક તણાવમાંથી બહાર આવવા, ધ્યાન અને માનસિક સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપવા લાગ્યા.
અરૂણા શીલ્ડ્સ એક પ્રાચીન આધ્યાત્મિક પરંપરા સાથે પણ જોડાયેલી હોવાનું કહેવાય છે, જેનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો માનવામાં આવે છે. તેઓ સાપને પરિવર્તન, ચેતના અને આંતરિક જાગૃતિનું પ્રતીક માને છે. તેમના જણાવ્યા અનુસાર, જીવનનો પ્રથમ ગહન આધ્યાત્મિક અનુભવ પણ તેમને સાપની આંખોમાં જોતી વખતે થયો હતો.
હાલમાં અરૂણા શીલ્ડ્સ લંડનમાં રહે છે અને ઓનલાઈન તથા ઓફલાઈન માધ્યમથી ધ્યાન, માનસિક શાંતિ અને વ્યક્તિગત વિકાસ અંગે તાલીમ આપે છે. એક સમયની ગ્લેમરસ અભિનેત્રી આજે આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે નવી ઓળખ બનાવી રહી છે.


