બહાઉદ્દીન સરકારી કોલેજમાં દેશભક્તિના ગીતોથી ગુંજી ઉઠ્યું વાતાવરણ, સપ્તધારા અંતર્ગત સંગીત સ્પર્ધા યોજાઈ
13 વિદ્યાર્થીઓએ લીધો ભાગ, પ્રીતિ મોરીએ પ્રથમ સ્થાન મેળવ્યું; વૈશાલી ગૌસ્વામી અને કલ્યાણી વ્યાસ અનુક્રમે બીજા-ત્રીજા ક્રમે રહ્યા
જૂનાગઢ, તા.૨૪
બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢ ખાતે વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત બનાવવાના હેતુથી સપ્તધારા અંતર્ગત ગીત-સંગીત અને નૃત્યધારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ ગીત સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પોતાની સંગીત પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.
કોલેજના આચાર્ય ડૉ. જે.આર. વાંઝાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી સ્પર્ધામાં કુલ 13 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. દેશભક્તિની ભાવનાથી જોડાયેલા ગીતોની રજૂઆત દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની કલાત્મક ક્ષમતાની સાથે રાષ્ટ્રપ્રેમની લાગણી પણ વ્યક્ત કરી હતી.
સ્પર્ધાનું મૂલ્યાંકન પ્રા.ડૉ. જાગૃતિ વ્યાસ, પ્રા.ડૉ. ભાવસિંહ બારડ અને પ્રા.ડૉ. ચંદ્રકાંત વણકર દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા.ડૉ. ગૌરાંગ જાની દ્વારા કરવામાં આવ્યું હતું.
સ્પર્ધાના પરિણામમાં મોરી પ્રીતિએ પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. જ્યારે ગૌસ્વામી વૈશાલીએ દ્વિતીય અને વ્યાસ કલ્યાણીએ તૃતીય સ્થાન મેળવ્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કાર્યક્રમ દરમિયાન બિરદાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કોલેજના આચાર્ય ડૉ. જે.આર. વાંઝાએ વિદ્યાર્થીઓને દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમના મહત્વ અંગે પ્રેરણાત્મક સંબોધન કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને દેશના વિકાસમાં પોતાની જવાબદારી નિભાવવાની દિશામાં પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમના અંતે પ્રા.ડૉ. જાગૃતિ વ્યાસે વંદે માતરમના સામૂહિક ગાન સાથે આભારવિધિ પૂર્ણ કરી હતી. દેશભક્તિના માહોલ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં કોલેજના સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.


