તહેવારો પહેલા મોંઘવારીનો બોમ્બ ફાટયો : ખાંડ, ચોખા, શાકભાજી, ખાદ્યતેલના ભાવોમાં વધારો

તહેવારો પહેલા મોંઘવારીનો બોમ્બ ફાટયો : ખાંડ, ચોખા, શાકભાજી, ખાદ્યતેલના ભાવોમાં વધારો

(એજન્સી)        નવી દિલ્હી તા.૪
નબળા ચોમાસા, વૈશ્વિક કટોકટી અને સંગ્રહખોરીએ તહેવારોની મોસમ શરૂ થઈ રહી છે તે જ સમયે દેશમાં ફુગાવાને વેગ આપ્યો છે. એક જ મહિનામાં ખાંડ અને ચોખાના ભાવમાં ૫ાંચ ટકા સુધીનો વધારો થયો છે. તેમજ ખાદ્યતેલ, શાકભાજીના ભાવમાં પણ ભારે વધારો થયો છે. ગ્રાહક બાબતોના વિભાગના જણાવ્યા અનુસાર, દેશભરમાં જથ્થાબંધ ખાંડના ભાવમાં ગત મહિનામાં ૫ ટકા થી વધુનો વધારો થયો છે, જે સરેરાશ રૂ.૪,૫૯૩ પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી ગયો છે. એક વર્ષમાં ભાવ ૭.૬૪ ટકા વધ્યા છે. દરમિયાન, છૂટક ભાવ એક મહિના પહેલા રૂ.૪૭.૧૧ પ્રતિ કિલોગ્રામથી વધીને ૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ રૂ.૪૯.૫૩ પ્રતિ કિલોગ્રામ થયા હતા.
દરમિયાન, ચોખાનો અખિલ ભારતીય સરેરાશ દૈનિક છૂટક ભાવ માસિક ધોરણે ૨.૨૭ ટકા વધીને ૩ ઓગસ્ટના રોજ રૂ.૪૫.૧૩ પ્રતિ કિલોગ્રામ થયો છે. એક મહિના પહેલા, ચોખાનો છૂટક ભાવ રૂ.૪૪.૧૩ પ્રતિ કિલોગ્રામ હતો. દક્ષિણ ભારતના રાજ્યો આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને કેરળમાં, ચોખાના ભાવ પ્રતિ કિલોગ્રામ ૧૦ થી ૧૫ ટકા વધ્યા છે. તેનાથી ઘરના બજેટ પર જ ભાર નથી પડી રહ્યો, પરંતુ માસિક રેશન બિલમાં પણ વધારો થઈ રહ્યો છે.
તેલંગાણા કૃષિ યુનિવસિર્ટીના એક નીતિ પત્રમાં પણ ચેતવણી આપવામાં આવી છે કે જો દેશો અલ નીનોને કારણે ચોખાના ઉત્પાદનમાં થયેલા નુકસાનને કારણે સાવચેતી તરીકે ચોખાનો સંગ્રહ કરવાનું શરૂ કરે છે, તો વૈશ્વિક બજારમાં ભાવ ૩૦-૫૦ ટકા વધી શકે છે.