૮ વર્ષના લિવ-ઈન બાદ અર્જુન રામપાલે ગ્રેબિએલા સાથે કર્યા લગ્ન, ગોવામાં રજિસ્ટર મેરેજ
બે બાળકોના માતા-પિતા બન્યા બાદ કપલે લીધો લગ્નનો નિર્ણય, નજીકના મિત્રો વચ્ચે લગ્ન નોંધાયા
મુંબઈ, તા. ૨૨:
બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલ અને તેની લાંબા સમયથી પાર્ટનર ગ્રેબિએલા ડેમેટ્રિયડ્સે આખરે લગ્ન કરી લીધા છે. બંને છેલ્લા ઘણા વર્ષોથી લિવ-ઈન રિલેશનશિપમાં હતા અને આ દરમિયાન બે બાળકોના માતા-પિતા પણ બન્યા હતા. હવે કપલે પોતાના સંબંધને લગ્નનું નામ આપ્યું છે.
મળતી માહિતી મુજબ, અર્જુન રામપાલ અને ગ્રેબિએલાએ ગોવાના માપુસા નજીક પોતાના લગ્ન રજિસ્ટર કરાવ્યા છે. નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં થયેલા આ રજિસ્ટર્ડ મેરેજની પુષ્ટિ સ્થાનિક સબ-રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અહેવાલો અનુસાર, શુક્રવારે સાંજે આશરે ચાર વાગ્યે બંનેએ લગ્નની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.
અર્જુન રામપાલના આ બીજા લગ્ન છે. અગાઉ તેણે પૂર્વ મોડલ અને ફેમિના મિસ ઈન્ડિયા મેહર જેસિયા સાથે લગ્ન કર્યા હતા. બંનેએ ૧૯૯૮માં લગ્ન કર્યા હતા અને તેમને બે દીકરીઓ છે. લગ્નજીવનના આશરે ૨૧ વર્ષ બાદ ૨૦૧૯માં અર્જુન અને મેહર અલગ થઈ ગયા હતા અને ત્યારબાદ બંનેના છૂટાછેડા થયા હતા.
આ પછી અર્જુન રામપાલ ગ્રેબિએલા સાથે સંબંધમાં આવ્યો હતો. બંનેએ લાંબા સમય સુધી સાથે રહેવાનું પસંદ કર્યું હતું. તેમના સંબંધ દરમિયાન ૨૦૧૯માં બંનેના પ્રથમ પુત્રનો જન્મ થયો હતો, જ્યારે ૨૦૨૩માં તેઓ બીજા પુત્રના માતા-પિતા બન્યા હતા.
ગ્રેબિએલા ડેમેટ્રિયડ્સ સાઉથ આફ્રિકાની મોડલ અને ફેશન ડિઝાઈનર છે. તે પોતાના પ્રોફેશનલ કરિયર સાથે પરિવારની જવાબદારીઓ પણ સંભાળતી જોવા મળે છે. અર્જુન અને ગ્રેબિએલાના સંબંધને લઈને બંને અનેક વખત ચર્ચામાં રહ્યા છે.
ખાસ વાત એ છે કે અર્જુન રામપાલ અગાઉ લગ્ન અંગે પોતાના વિચારોને કારણે પણ ચર્ચામાં રહ્યો હતો. વિવિધ ઇન્ટરવ્યૂ અને પોડકાસ્ટમાં તેણે લગ્નને માત્ર કાગળના એક ટુકડા સાથે સરખાવ્યા હતા અને લગ્ન કરવાની જરૂરિયાત અંગે સવાલ ઉઠાવ્યા હતા. જોકે, હવે લાંબા સમયના સંબંધ અને બે બાળકો બાદ અર્જુને ગ્રેબિએલા સાથે લગ્ન કરીને પોતાના સંબંધને નવી ઓળખ આપી છે.
અર્જુન રામપાલના આ બીજા લગ્નની ખબર સામે આવતા જ તેમના ચાહકોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. જોકે, કપલે લગ્નને લઈને હજુ સુધી કોઈ ભવ્ય સેલિબ્રેશન કે સત્તાવાર જાહેરાત કરી નથી.


