કંગના શર્માનો ચોંકાવનારો ખુલાસો, બહેનના બાળલગ્ન અને દુઃખદ જીવનની કહી આપવીતી
પોડકાસ્ટમાં પોતાના બાળપણની વાત કરતાં અભિનેત્રી ભાવુક થઈ; પરિવાર અને બહેન સાથે જોડાયેલી મુશ્કેલ ઘટનાઓનો કર્યો ઉલ્લેખ
મુંબઈ, તા. ૨૧
અભિનેત્રી કંગના શર્માએ તાજેતરના એક પોડકાસ્ટમાં પોતાના બાળપણ અને પરિવાર સાથે જોડાયેલા કેટલાક અત્યંત મુશ્કેલ અનુભવો અંગે વાત કરી છે. ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’થી ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર કંગના આ દરમિયાન પોતાના પરિવારની પરિસ્થિતિ વિશે વાત કરતાં ભાવુક થઈ ગઈ હતી. તેણે દાવો કર્યો હતો કે બાળપણમાં તેના પિતા પરિવારના સભ્યો સાથે મારપીટ કરતા હતા અને તેની બહેનના જીવનમાં પણ અનેક મુશ્કેલીઓ આવી હતી.
કંગનાના જણાવ્યા અનુસાર, તેની બહેનના લગ્ન કિશોરાવસ્થામાં જ કરી દેવામાં આવ્યા હતા. અભિનેત્રીનો દાવો છે કે જે પરિવારમાં તેની બહેનના લગ્ન થયા હતા, ત્યાં તેને યોગ્ય પરિસ્થિતિ મળી નહોતી. પોડકાસ્ટ દરમિયાન આ જૂની ઘટનાઓ યાદ કરતાં કંગના સતત ભાવુક થઈ હતી અને બહેનને ગુમાવવાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.
કંગનાએ જણાવ્યું કે તે સમયે તેની ઉંમર આશરે ૧૪ વર્ષની હતી અને બહેનના લગ્ન પ્રસંગે તે પણ તેની સાથે ગઈ હતી. તેણે પોડકાસ્ટમાં લગ્ન બાદ બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે રાત્રિના સમયે તેણે બહેનને મુશ્કેલ પરિસ્થિતિમાં જોઈ હતી. આ દૃશ્યથી તે ગભરાઈ ગઈ હતી અને તરત જ ત્યાંથી નીચે આવી ગઈ હતી.
અભિનેત્રીએ આગળ દાવો કર્યો કે લગ્નના થોડા સમય બાદ તેના પિતા બહેનની સાસરીમાં ગયા ત્યારે પડોશીઓ પાસેથી તેમને એવી માહિતી મળી હતી કે તેમની દીકરી વારંવાર મદદ માટે ચિઠ્ઠીઓ લખીને તેમના ઘરે નાખતી હતી. ત્યારબાદ પિતા બહેનને પરત ઘરે લઈ આવ્યા અને બંને વચ્ચે છૂટાછેડા થયા હતા.
કંગનાના જણાવ્યા મુજબ, બહેનના પ્રથમ લગ્ન તૂટ્યા બાદ પણ તેની જિંદગીમાં મુશ્કેલીઓનો અંત આવ્યો નહોતો. તેણે દાવો કર્યો કે પિતાએ બાદમાં તેની બહેનના બીજા લગ્ન એક હલવાઈ સાથે કરાવ્યા હતા અને આ લગ્ન માટે માત્ર એક રૂપિયાની લેવડદેવડ થઈ હતી. કંગનાએ કહ્યું કે તેની બહેન પોતે ફરી લગ્ન કરવા માંગતી નહોતી.
અભિનેત્રીએ બહેનની તબિયત અંગે પણ વાત કરી હતી. તેના કહેવા પ્રમાણે, બહેનને શરૂઆતમાં ટીબી અને ત્યારબાદ કેન્સર થયું હતું, જેના કારણે અંતે તેનું મૃત્યુ થયું. બહેનના નિધન બાદ કંગનાએ પિતા સાથે વાતચીત બંધ કરી દીધી હતી અને લાંબા સમય સુધી તેમની સાથે સંપર્ક રાખ્યો નહોતો.
કંગનાએ આ સમગ્ર ઘટનામાં પોતાની માતાની ભૂમિકા અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેના જણાવ્યા પ્રમાણે, બહેનના લગ્ન પહેલાં પરિવાર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવી નહોતી અને તેની માતાએ પણ પિતાના નિર્ણયનો વિરોધ કર્યો નહોતો.
પોડકાસ્ટમાં કંગનાએ પોતાના જીવનના આ કડવા અનુભવો શેર કરતાં જણાવ્યું કે બાળપણમાં બનેલી આ ઘટનાઓની અસર તેના જીવન પર લાંબા સમય સુધી રહી છે. તેની વાતચીત દરમિયાન દેખાયેલી લાગણીઓ પરથી પણ આ અનુભવો તેના માટે કેટલા પીડાદાયક રહ્યા હશે તેનો અંદાજ આવી શકે છે. જોકે, પોડકાસ્ટમાં કરવામાં આવેલા આ દાવાઓ કંગનાના પોતાના નિવેદનો પર આધારિત છે.


