‘હૈવાન’ના રૉ એક્શન સીન બાદ બે દિવસ પથારીમાં રહ્યો હતો સૈફ અલી ખાન
દૃષ્ટિહીન પાત્ર માટે ડુપ્લિકેટ, CGI કે હાર્નેસ વિના કર્યા પડકારજનક એક્શન સીન; પ્રિયદર્શનની ‘ઓપ્પમ’ પરથી બનાવાઈ છે ફિલ્મ
મુંબઈ, તા.૧૧
અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની ફિલ્મ ‘હૈવાન’ ૧૧ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન દૃષ્ટિહીન પરંતુ માર્શલ આર્ટ્સમાં નિપુણ વ્યક્તિની ભૂમિકા ભજવી રહ્યો છે. દિગ્દર્શક પ્રિયદર્શન સાથે સૈફની આ પહેલી ફિલ્મ છે. પોતાના પાત્રને વધુ વાસ્તવિક બનાવવા માટે સૈફે ફિલ્મના કેટલાક પડકારજનક એક્શન સીન ડુપ્લિકેટ વિના જાતે કર્યા હોવાનું જણાવ્યું છે.
ફિલ્મના એક મહત્વપૂર્ણ એક્શન સીન અંગે વાત કરતાં સૈફે જણાવ્યું હતું કે શરૂઆતમાં તેના પાત્રને કેટલાક લોકો મારપીટ કરીને હેરાન કરે છે. લાંબા સમય સુધી અત્યાચાર સહન કર્યા બાદ તેનું પાત્ર વળતો જવાબ આપે છે અને અહીંથી એક રૉ એક્શન સિક્વન્સ શરૂ થાય છે. આ સીન સ્ટન્ટ માસ્ટર સિલ્વાએ કોરિયોગ્રાફ કર્યો હતો.
સૈફના જણાવ્યા પ્રમાણે આ એક્શન સીનમાં CGI, હાર્નેસ કે બોડી ડબલનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. તૂટેલા કાચથી ભરેલા રૂમમાં સમગ્ર સિક્વન્સને શક્ય તેટલો રૉ અને વાસ્તવિક રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સીન શારીરિક રીતે એટલો થકવી નાખનારો હતો કે શૂટિંગ પૂર્ણ થયા બાદ તેને બે દિવસ આરામ કરવો પડ્યો હતો.
‘હૈવાન’ માટે કોઈ વિશેષ એક્શન વર્કશોપ કે લાંબી તાલીમ લેવામાં આવી નહોતી. સૈફે સ્ટન્ટ ડિરેક્ટર સાથે સીનનું રિહર્સલ કરીને તેને ફિલ્માવ્યો હતો. શૂટિંગ દરમિયાન તૂટેલા ફોટો ફ્રેમ અને કબાટના કાચના ટુકડા સેટ પર ફેલાઈ ગયા હતા. સૈફના જણાવ્યા અનુસાર કોઈ મોટી ઈજા થઈ નહોતી, જોકે નાના કટ અને ઉઝરડા થયા હતા.
સૈફનું માનવું છે કે ફિલ્મની વાર્તાના સંદર્ભને કારણે આ એક્શન સિક્વન્સ વધુ અસરકારક બને છે. સતત મુશ્કેલીઓનો સામનો કરતા તેના પાત્રને જ્યારે વળતો જવાબ આપવાની તક મળે છે ત્યારે દર્શકો પણ તેની પ્રતિક્રિયાની રાહ જોતા હોય તેવી રીતે આ દૃશ્ય તૈયાર કરવામાં આવ્યું છે.
‘હૈવાન’ પ્રિયદર્શનની વર્ષ ૨૦૧૬માં આવેલી મલયાલમ ફિલ્મ ‘ઓપ્પમ’નું રૂપાંતરણ હોવાનું જણાવાયું છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન ઉપરાંત બોમન ઈરાની, સાયામી ખેર અને શ્રિયા પિલગાંવકર પણ મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે.


