પડતર માંગણીઓ મુદ્દે વનકર્મીઓનું આંદોલન, 500થી વધુ કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા
જૂનાગઢ, ગીર અને ગીર સોમનાથ ડિવિઝનના વનરક્ષક-વનપાલનો વિરોધ; માંગણીઓ નહીં સંતોષાય તો આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાલની ચીમકી
જૂનાગઢ તા. 27
જૂનાગઢ સહિત ગીર અને ગીર સોમનાથ વિસ્તારમાં વનકર્મીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન શરૂ કર્યું છે. આજે 500થી વધુ વનકર્મીઓ માસ સીએલ પર ઉતરી વિરોધ નોંધાવી રહ્યા છે. વનરક્ષક અને વનપાલ સહિતના કર્મચારીઓ આ આંદોલનમાં જોડાતાં વન્ય પ્રાણીઓની સુરક્ષા અને વનવિભાગની કામગીરીને લઈને પણ સવાલો ઊભા થયા છે.
વનકર્મી એસોસિએશનના ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લા પ્રમુખ પ્રશાંતસિંહ વાળાના જણાવ્યા અનુસાર, આજે પૂનમ અવલોકનની કામગીરી રાત્રે 12 વાગ્યા સુધી ચાલશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ આવતીકાલથી કર્મચારીઓ માસ સીએલ પર ઉતરશે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધી કર્મચારીઓની કોઈપણ માંગણી સ્વીકારવામાં આવી નથી.
વનકર્મીઓની મુખ્ય માંગણીઓમાં વનરક્ષક અને વનપાલને સુરક્ષા તથા સિક્યુરિટી એલાઉન્સ આપવાની માંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગ્રેડ-પેમાં રહેલી વિસંગતતાઓ દૂર કરી સુધારો કરવા અને રજાના દિવસે ફરજ બજાવવાના બદલામાં મળતો રજા પગાર બેઝિક પગાર તથા મોંઘવારી ભથ્થા (ડીએ)ના પ્રમાણમાં ચૂકવવાની માંગ પણ કરવામાં આવી છે.
આ સાથે વનપાલની નવી ભરતી બંધ કરીને વનરક્ષકોને બઢતી આપવી, લાંબા સમયથી પડતર રહેલી વનરક્ષક અને વનપાલની બદલીની અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવો તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસરની મહેકમ ખોલીને સીધી ભરતીના બદલે પ્રમોશન દ્વારા નિમણૂક આપવાની માંગ ઉઠાવવામાં આવી છે.
પ્રશાંતસિંહ વાળાએ જણાવ્યું હતું કે, જો સરકાર દ્વારા વનકર્મીઓની પડતર માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે તો આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવામાં આવશે.


