જીલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ઉતારા મંડળના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ
વહીવટી તંત્ર અને ઉતારા મંડળ- સેવાભાવી સંસ્થાઓ વચ્ચે જરૂરી સંકલન અને વ્યવસ્થાઓ સંદર્ભે પરામર્શ કરાયો, અન્નક્ષેત્રોને રોજિંદી વસ્તુઓ મેળા ક્ષેત્રમાં જ મળી રહે તે માટે પણ ચર્ચા વિચારણા કરાઈ
જૂનાગઢ, તા.૧૬
જૂનાગઢનો મહાશિવરાત્રીનો મેળો રાજ્ય સરકારના પ્રયાસોથી વિસ્તૃત ફલક પર યોજવા જઈ રહ્યો છે, ત્યારે જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્રએ મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સંદર્ભમાં આજે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાની ઉપસ્થિતિમાં ઉતારા મંડળના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ખાસ મહાશિવરાત્રીના મેળા દરમ્યાન ઉતારા મંડળ સાથે જાેડાયેલી સેવાભાવી સંસ્થાઓ સાથે સંકલનથી કામગીરી થઈ શકે, ઉપરાંત મેળા દરમ્યાન આ સેવાભાવી સંસ્થાઓની જરૂરિયાતો માટે યોગ્ય વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે પરામર્શ કરવામાં આવ્યો હતો.
અન્ન ક્ષેત્રોની રોજિંદી જરૂરિયાતરૂપ શાકભાજી, દૂધ, છાશ, ગેસ જેવી વસ્તુઓ મેળા ક્ષેત્રની અંદરથી જ મળી રહે તેવા પ્રાથમિક આયોજન સંદર્ભે પણ જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો. ઉપરાંત જિલ્લા કલેકટરે ખાસ, સેવાભાવી સંસ્થાઓ દ્વારા અપાતી ભોજન સેવાઓ વધુ વિસ્તૃત બને તે માટે ભરડાવાવ અને ગિરનાર દરવાજાથી પણ મેળામાં આગળ જતા માર્ગ ઉપર પણ અન્નક્ષેત્રો અને ચા પાણીના સ્ટોલ શરૂ થાય તે માટે પણ સૂચન કર્યું હતું. આ સાથે જિલ્લા કલેકટરે મહાશિવરાત્રીમાં ઉતારા મંડળ - અન્નક્ષેત્રોના મહત્વપૂર્ણ યોગદાનને બિરદાવી સરાહના પણ કરી હતી. ઉપરાંત ઉતારા મંડળ અને વહીવટી તંત્ર સાથે જરૂરી સંકલન માટે એક કમિટી પણ રચના કરવામાં આવશે, આ કમિટીના સદસ્યો વહીવટી તંત્ર સાથે આવશ્યક વ્યવસ્થાઓ સંદર્ભે જરૂરી સંકલન કરશે.
આ મહાશિવરાત્રીના મેળા દરમ્યાન સ્વચ્છતા માટેના ઉચ્ચ ધોરણો જળવાઈ રહે તે માટે પણ જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો, નિયત સમયે કચરાનું કલેક્શન થાય તે માટેના આયોજન સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં અગ્રણી ગૌરવભાઈ રૂપારેલીયા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર ડી.જે. જાડેજા, જિલ્લા પુરવઠા અધિકારી કિશન ગરસર સહિતના સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


