જૂનાગઢ બસ સ્ટેશન વિસ્તારમાં ભેળસેળીયુ ફરસાણ-મીઠાઈનાં વેચાણની વ્યાપક ફરીયાદો

મનપાનું ફુડ વિભાગ ચેકીંગ હાથ ધરીલોકોના આરોગ્ય સાથે ચેડા થતાં અટકાવો

જૂનાગઢ બસ સ્ટેશન વિસ્તારમાં ભેળસેળીયુ ફરસાણ-મીઠાઈનાં વેચાણની વ્યાપક ફરીયાદો

જૂનાગઢ તા. ૭
જૂનાગઢનાં બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કેટલીક  દુકાનોમાં ફરસાણ, મીઠાઈ સહીતની ખાદ્ય વસ્તુઓનું ભેળસેળયુકત વેચાણ ખુલ્લેઆમ  થઈ રહયું હોવાની વ્યાપક ફરીયાદ ઉઠી છે. બસ સ્ટેશન વિસ્તારમાં ઘણી બધી ફરસાણ, મીઠાઈ, ચા, ઠંડાપીણા સહીતની દુકાનો આવેલી છે. બસ સ્ટેશન હોય એટલે બહારથી આવતા જતાં લોકોની અવર-જવર રહેતી હોય છે. બસને વાર હોય અથવા  તો હોલ્ટ થાય એટલે પેસેન્જરો અહીં આવેલી દુકાનોમાં ખાસ કરીને ખાદ્ય પદાર્થો ફરસાણ, મીઠાઈ, ઠંડાપીણા, ચા વગેરે લેતા હોય છે. આગામી દિવસોમાં શિવરાત્રીનો મેળો શરૂ થનાર છે. ત્યારે લોકોની આવન-જાવન વિશેષ રહેશે. આ સંજાેગોમાં ભેળસેળીયા ખાદ્ય પદાર્થોનું વેચાણ પણ થશેજ. બજારોમાં હાલ ફરસાણ અને મીઠાઈના જે ભાવો લેવાઈ રહયા છે તેમાંથી થોડાક  સસ્તા દરે બસ સ્ટેશન વિસ્તારની કેટલીક દુકાનોમાં વેચાણ કરવામાં આવી રહયું છે. ફરસાણ અને મીઠાઈની બનાવટોમાં સેકરીન સહીતની ભેળસેળીયા વસ્તુ પધરાવી અને તકનો લાભ લેવામાં આવી રહયો છે. હલકી ગુણવત્તા વાળા ફરસાણ  તથા મીઠાઈને લઈને લોકો ગળુ પકડાઈ જવું, શરદી, તાવ જેવા રોગનો ભોગ બની રહયા છે. ત્યારે બસ સ્ટેશન  વિસ્તારમાં આવેલી દુકાનોમાં ભેળસેળીયા  ફરસાણ, મીઠાઈ સહીતની ખાણીપીણીની વસ્તુઓ મળે તેવી માંગ છે. જૂનાગઢ મનપાનું ફુડ શાખા આ અંગે કાર્યવાહી કરે તેવી માંગ પણ છે.