જૂનાગઢમાં ‘દશેરા’નિમિતે ફરસાણ, મીઠાઈનું ધુમ વેચાણ

જૂનાગઢમાં ‘દશેરા’નિમિતે ફરસાણ, મીઠાઈનું ધુમ વેચાણ

જૂનાગઢ તા.ર૦
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્ર-વાસીઓની આગવી ઓળખ અને ખાસીયત છે કે, ગમે તેવી પરિસ્થિતી હોય પરંતુ રહેવું તો ‘મોજ’થી અને તેમાં પણ જયારે કોઈ તહેવાર આવે એટલે ઉમંગ અને ઉત્સાહથી આ તહેવારો ઉજવવા એ પરંપરા આજે પણ આપણે જાળવી રાખી છે. આજે વિજયા દશમી દશેરાનાં પર્વની જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.
 દશેરાના પર્વ પ્રસંગે ફરસાણ અને મીઠાઈ બજારોમાં ભારે ખરીદી નીકળી છે. લોકો ફરસાણ અને મીઠાઈની વિવિધ વેરાઈટીઓની ખરીદી કરી રહયા છે.
તહેવારો આપણા જીવનમાં મહત્વપુર્ણ રંગો પુરે છે. નવી ઉર્જાનો સંચાર પરાંપરાગત વારસો અને સંસ્કૃતિનું જતન અને કંઈક ને કંઈક બોધ પણ આપતો હોય છે. આવો જ લોક હૃદયમાં સ્થાન પામેલો વિજયા દશમી ‘દશેરા’નો તહેવાર છે.  હજારો વર્ષથી દશેરા ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી રામે દશેરાનાં દિવસે રાવણનો વધ કર્યો હતો અને ભગવાન શ્રી રામનાં જયજયકાર સાથે આ પર્વે આસુરી શક્તિ પર દૈવી શક્તિનાં વિજયનું પ્રતિક પણ છે. નવરાત્રીનાં નવ દિવસો આદ્યશક્તિ માતાજીની આરાધના અને ઉપાસનાં કરવામાં આવે છે. વિવિધ સ્વરૂપે  બિરાજતા માતાજીની પૂજા, અનુષ્ઠાન, હવન સહીતના નવ દિવસ પૂજન, પાઠ થાય છે. માતાજીનાં ગરબા લેવામાં આવે છે. આઠમનાં હવન બાદ બીજે દિવસે ૯ માં નોરતે નવરાત્રીનું સમાપન થાય છે અને બીજે દિવસે દશેરા વિજયા દશમીનું પર્વ ઉજવાય છે. દશેરાનાં દિવસે શસ્ત્ર પૂજાનાં કાર્યક્રમો આજે ઠેર-ઠેર યોજવામાં આવી રહયા છે. તેમજ અનેક સ્થળોએ રાવણનું પુતળુ બાળી અને રાવણ દહનનાં કાર્યક્રમો પણ યોજવામાં આવી રહયા છે. નવરાત્રી પુર્ણ થયા બાદ ધાર્મિક સ્થળોએ ગરબો પધરાવવામાં આવે છે. ગરબામાં મીઠાઈ મુકી અને વહેલા વહેલા પધારજાે માતાજી તેવી પ્રાર્થનાં માતાજીને કરવામાં આવે છે. દશેરાનાં પર્વે ખાસ મીઠાઈનું પણ ખુબજ મહત્વ રહેલું છે. ત્યારે જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં આજે ફરસાણ-મીઠાઈની ધુમ ખરીદી થઈ રહી છે.  જૂનાગઢ શહેરની વાત કરીએ તો તહેવારોની ઉજવણીમાં ઉત્સાહીત થતા લોકો મીઠાઈ ફરસાણની ખરીદી હોશે હોશે કરે છે. તહેવારને ધ્યાનમાં રાખી અને ખાસ દશેરાનાં તહેવારને ધયાને રાખી જૂનાગઢ શહેરનાં ફરસાણ અને મીઠાઈનાં વેપારીઓ દ્વારા ફરસાણ અને મીઠાઈની વિવિધ વેરાઈટીઓ બનાવવામાં આવે છે.  લોકોને સારી અને શુધ્ધ ફરસાણ -મીઠાઈ મળી શકે તે માટેની કાળજી રાખવામાં આવે છે અને ખાસ તહેવાર પ્રસંગે પોત-પોતાની દુકાનોએ ફરસાણ અને મીઠાઈ માટેનાં વેચાણ કેન્દ્રો શરૂ કરવામાં આવે છે. લોકોને  પરવડે તેવી વેરાઈટીઓ ખાસ કરીને જલેબી-ફાફડા, સાટા, થાબડી પેંડા, કાજુ કતરી, મેસુબ,  મોહનથાળ, સેવ, ગાંઠીયા, ચવાણું, બરફી સહીતની સંખ્યાબંધ વેરાઈટીઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. લોકોને ભાવમાં પણ રાહત રહે છે અને  કીફાયતી ભાવે વસ્તુઓ મળી શકે તેવું આયોજન જૂનાગઢનાં ફરસાણ અને મીઠાઈનાં વેપારીઓ દ્વારા કરવામાં આવી રહયું છે. અને વેપારીઓનાં આ અભિગમને લોકો પણ આવકારે છે અને પોત-પોતાનાં માનીતા સ્વીટ માર્ટ, ફરસાણ, ડેરી ફાર્મમાંથી મીઠાઈ અને ફરસાણ હોશે હોશે ખરીદે છે. આજે ‘દશેરા’ પર્વ પ્રસંગે જૂનાગઢમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. લોકોએ ફરસાણ અને મીઠાઈની વિવિધ વેરાઈટીઓની હોશે હોશે ખરીદી કરી છે. વેચાણ કેન્દ્રો ઉપર ગ્રાહકોની ભીડ દિવસ દરમ્યાન રહી છે.
આજે દરેક ચીજવ્સતુઓમાં બેફામ મોંઘવારી છે. અસહય મોંઘવારીએ સામાન્ય  જનતાની કમર તોડી નાખી છે. તેવા સમયમાં તહેવારોનો ઉત્સાહ કંઈક અલગ જ હોય છે. તેમાંય જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરના લોકો તહેવારોની ઉજવણી હટકે કરતા રહયા છે. જે અંતર્ગત આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં દશેરા પર્વ ફરસાણ અને મીઠાઈ બજારમાં ધુમ ખરીદી નીકળી છે.