માત્ર ચાર મહિનામાં જ નરસિંહ મહેતા સરોવરની હાલત ખરાબ : રૂા. 68 કરોડનો ખર્ચ કે ભ્રષ્ટાચાર ?
નવિનીકરણ પામેલ સરોવર ખાલી ખમ : તળાવને ઉંડુ ઉતારવાનો વધારાનો ખર્ચ થશે : મનપાની અણઆવડતને કારણે કરોડોનું આંધણ
જૂનાગઢ તા. 20
જૂનાગઢ શહેરને સરકારની સૂચના મુજબ નયનરમ્ય સરોવરની ભેટ મળે તે માટે નરસિંહ મહેતા સરોવરનાં નવિનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અંદાજીત રૂા. 68 કરોડનો ખર્ચ કરી અને રળીયામણું સરોવર બનાવવામાં આવ્યું. ચાર માસ પહેલા જ ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ ધુમધડાકા સાથે કરી નાખવામાં આવ્યું હતું. લોકાર્પણ થયા બાદ નરસિંહ મહેતા સરોવરનાં વિકાસની કામગીરીમાં બેદરકારી, ભ્રષ્ટાચાર, વૃક્ષારોપણમાં અઢળક ખર્ચા અને સરોવરનાં કામમાં ઘોર બેદરકારી દાખવવામાં આવી હોવાનાં ગંભીર આક્ષેપો સાથે નરસિંહ મહેતા સરોવરનાં નવિનીકરણનો વિવાદ સતત ગાજતો રહયો છે. દરમ્યાન આજે સવારે જૂનાગઢનાં એક જાગૃત નાગરીકે આ અખબારને મોકલેલી કેટલીક તસ્વીરોથી સ્પષ્ટ દર્શાય છે કે, હાલની નરસિંહ મહેતા સરોવરની હાલત કેટલી હદે ખરાબ છે. જાે તકેદારી અને જાળવણી રાખવામાં નહી આવે તો આગામી દિવસોમાં નરસિંહ મહેતા સરોવરનું આ નજરાણું શામળદાસ ગાંધી ટાઉનહોલની જેમ બંધ કરવામાં આવે તેવો ભય સેવાઈ રહયો છે. મનપા તંત્ર દ્વારા વહેલીતકે જાગૃતિ દાખવી નરસિંહ મહેતા સરોવરની જાળવણીનું કાર્ય હાથ ધરવામાં આવે તેવી લાગણી પ્રવર્તી રહી છે.
જૂનાગઢનાં નરસિંહ મહેતા સરોવરની કાયાપલટ અને નવિનીકરણ થયા બાદ લોકાર્પણ કરવામાં આવ્યું હતું લોકાર્પણ બાદ સરોવરની મુલાકાતે જૂનાગઢ શહેરનાં લોકો તેમજ બહારગામથી આવેલા લોકો પણ અચુક મુલાકાત લે છે અને આપણા શહેરનું રમણીય તળાવ કેવું છે અને કેવો નયનરમ્ય નજારો જાેવા મળે છે તે અંગે હોંશે હોંશે સેલ્ફીઓ પણ લેવામાં આવી રહેલ છે પરંતુ થોડાક સમયમાં જ નરસિંહ મહેતા સરોવર જુદા જુદા પ્રશ્નોને લઈ વિવાદાસ્પદ બની રહયું છે. તાજેતરમાં જ મળેલી મનપાની જનરલ બોર્ડની બેઠકમાં પણ નરસિંહ મહેતા સરોવરનાં વિવિધ પ્રશ્નો અંગે વિરોધ પક્ષે અવાજ ઉઠાવ્યો હતો. દરમ્યાન નરસિંહ મહેતા સરોવરની હાલની હાલતની જે તસ્વીરો મળી છે તે સરોવરની સ્થિતિ અંગે દિશા - નિર્દેશ આપે છે. ચાર મહિનામાં જ નરસિંહ મહેતા સરોવરનાં હાલ-બેહાલ થયા છે. ખાસ કરીને સરોવરનું લોકાર્પણ થયા બાદ ઉંડુ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત તળાવની સાફ સફાઈ કરવામાં આવી રહી છે. સવાલ એ ઉઠે છે કે, સરોવરનું નવિનીકરણ થયું ત્યારે તંત્ર વાહકોએ તળાવને ઉંડુ ઉતારવા માટેનો કોઈ પ્લાન અમલમાં મુકયો નહી હોય ? તેવો સવાલ આજે ચર્ચાસ્પદ બનેલ છે. આ ઉપરાંત અઢળક ખર્ચો તળાવ પાછળ કર્યો છે તે લેખે લાગે તે માટે અગાઉથી જ પરફકેટ આયોજન કરવું પડે પરંતુ નરસિંહ મહેતા સરોવરમાં એવું થયું નથી. આજે આ સરોવર 40 ટકાથી વધારે ખાલીખમ પડયું છે. ઉપરાંત નરસિંહ મહેતા સરોવરનાં સમાવિષ્ટ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ લીલ અને શેવાળ જામ્યો છે અને ભારે દૂર્ગંધ મારી રહેલ છે ત્યારે અહીં આવનારા મુલાકાતીઓને સરોવરની ખરાબ હાલતને લઈને લાગણી દુભાઈ રહી છે. મનપા તંત્ર દ્વારા વહેલીતકે તળાવની જાળવણી માટેનાં અસરકારક પગલા લેવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.




