કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું
અનુસુચિત જાતિ અને જનજાતિના આરક્ષણમાં ક્રિમીલેયરનો સિધ્ધાંત લાગુ પડતો નથી
(એજન્સી) નવી દિલ્હી તા.૭
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને સ્પષ્ટ કર્યું છે કે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના આરક્ષણમાં ‘ક્રિમિ લેયર‘ નો સિદ્ધાંત લાગુ પડતો નથી. સરકારે તે જનહિત અરજીઓ (PIL) નો વિરોધ કર્યો છે, જેમાં SC-ST આરક્ષણમાં ક્રિમિ લેયર લાગુ કરવા અને સરકારી નોકરીઓમાં આરક્ષણ માટે વધુ ન્યાયી નીતિ બનાવવાની માગ કરવામાં આવી હતી.
કેન્દ્રએ સોગંદનામામાં જણાવ્યું કે અરજીઓમાં બંધારણ હેઠળ મળેલા કોઈ મૂળભૂત અધિકારના ઉલ્લંઘનનો ઉલ્લેખ નથી. સાથે જ, ક્યાંય પણ એવું જણાવવામાં આવ્યું નથી કે ક્રિમિલેયરનો નિયમ SC-ST પર લાગુ પડે છે. સરકારના મતે, ક્રિમિ લેયરની અવધારણા ફક્ત OBC અને SEBC આરક્ષણ સાથે સંબંધિત છે.
સુપ્રીમ કોર્ટે ગત વર્ષે ૧૧ ઓગસ્ટે રમાશંકર પ્રજાપતિ અને અન્યની જનહિત અરજીઓ પર કેન્દ્ર અને રાજ્યોને નોટિસ પાઠવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે જો SC-ST પરિવારનો કોઈ સભ્ય પહેલેથી જ બંધારણીય અથવા વરિષ્ઠ સરકારી પદનો લાભ લઈ ચૂક્યો હોય, તો તેના બાળકોને આરક્ષણનો લાભ મળવો જોઈએ નહીં.


