રણબીર-આલિયા-વિકીની ‘લવ એન્ડ વોર’નું શૂટિંગ પૂર્ણ, હવે પોસ્ટ પ્રોડક્શનની તૈયારી
સંજય લીલા ભણશાલીની સૌથી ખર્ચાળ ફિલ્મોમાંની એક હોવાનો દાવો; રાજ કપૂરની ‘સંગમ’ની રીમેક હોવાની ચર્ચા, આગામી વર્ષે ૨૧ જાન્યુઆરીએ રિલીઝ થવાની સંભાવના
મુંબઈ, તા.૭
સંજય લીલા ભણશાલીની બહુપ્રતીક્ષિત ફિલ્મ ‘લવ એન્ડ વોર’નું શૂટિંગ આખરે પૂર્ણ થઈ ગયું છે. રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ અભિનિત આ ફિલ્મનું શૂટિંગ પૂરું થયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. હવે ભણશાલી ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનની કામગીરી તરફ આગળ વધશે.
શૂટિંગ પૂર્ણ થયા બાદ ફિલ્મની ટીમે ભાવુક માહોલમાં એકબીજાને વિદાય આપી હતી. ‘લવ એન્ડ વોર’ને ભણશાલીની અત્યાર સુધીની સૌથી ખર્ચાળ ફિલ્મોમાંની એક ગણાવવામાં આવી રહી છે. અહેવાલ મુજબ ફિલ્મ આગામી વર્ષે ૨૧ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની સંભાવના છે.
‘લવ એન્ડ વોર’ રાજ કપૂરની ક્લાસિક ફિલ્મ ‘સંગમ’ની રીમેક હોવાની લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. જોકે, મેકર્સ તરફથી તેને ‘સંગમ’ની સત્તાવાર રીમેક તરીકે જાહેર કરવામાં આવી નથી.
ફિલ્મના શૂટિંગને પૂર્ણ થવામાં અપેક્ષા કરતાં વધુ સમય લાગ્યો હોવાનું જણાવાયું છે. સંજય લીલા ભણશાલીની ફિલ્મમેકિંગ પ્રક્રિયા અને લાંબા શૂટિંગ શેડ્યૂલને કારણે અગાઉ પણ ફિલ્મનું કામ આગળ ધકેલાયું હતું. તેના કારણે રણબીર, આલિયા અને વિકીને પોતાના અન્ય પ્રોજેક્ટ્સની તારીખો સાથે પણ એડજેસ્ટમેન્ટ કરવું પડ્યું હોવાના અહેવાલ સામે આવ્યા હતા.
અહેવાલો પ્રમાણે ફિલ્મની વાર્તા રણબીર કપૂર અને વિકી કૌશલ દ્વારા ભજવવામાં આવતા બે મજબૂત મનોબળ ધરાવતા સૈન્ય અધિકારીઓની આસપાસ ફરે છે. આલિયા ભટ્ટના પાત્ર સાથે જોડાતાં બંનેના જીવનમાં પ્રણય ત્રિકોણ સર્જાય છે અને ત્યાંથી વાર્તામાં નાટકીય વળાંક આવે છે.
રણબીર અને વિકીની હવાઈ દળના યુનિફોર્મમાં સામે આવેલી પડદા પાછળની તસવીરોને કારણે ફિલ્મ અંગે ચાહકોમાં પહેલેથી જ ઉત્સુકતા જોવા મળી રહી છે.
‘લવ એન્ડ વોર’ દ્વારા સંજય લીલા ભણશાલી લાંબા સમય બાદ રણબીર કપૂર સાથે ફરી કામ કરી રહ્યા છે. બંનેએ અગાઉ ‘સાવરિયા’માં સાથે કામ કર્યું હતું. જ્યારે આલિયા ભટ્ટ સાથે ભણશાલીની આ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ બાદની ફિલ્મ છે.


