‘ઓપરેશન સફેદ સાગર’ હતો રાજુ શ્રીવાસ્તવની જાણમાં રહેલો છેલ્લો પ્રોજેક્ટ, પુત્રી અંતરાએ શેર કરી યાદો
વેબ-સીરિઝમાં અસોસિયેટ ડિરેક્ટર અને રિસર્ચર તરીકે જોડાયેલી અંતરા શ્રીવાસ્તવ; કોવિડના કારણે ફિલ્મને બદલે વેબ-સીરિઝ બનાવવાનો લેવાયો નિર્ણય
મુંબઈ, તા. ૧૫
‘ઓપરેશન સફેદ સાગર’ વેબ-સીરિઝના દરેક એપિસોડના અંતે જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનો વિશેષ આભાર માનવામાં આવે છે. હવે રાજુ શ્રીવાસ્તવની પુત્રી અંતરા શ્રીવાસ્તવે આ પ્રોજેક્ટ સાથે પોતાના પિતાના જોડાણ અને તેના નિર્માણ પાછળની સફર અંગે વાત કરી છે. અંતરાના જણાવ્યા પ્રમાણે આ તેમના પિતાની જાણમાં રહેલો છેલ્લો પ્રોજેક્ટ હતો અને તેથી સમગ્ર પરિવાર માટે આ વેબ-શૉ ખાસ ભાવનાત્મક મહત્વ ધરાવે છે.
વેબ-સીરિઝના સહનિર્માતા કુશલ શ્રીવાસ્તવે પણ રાજુ શ્રીવાસ્તવના યોગદાનને યાદ કરતાં જણાવ્યું કે જીમી શેરગિલ અને સિદ્ધાર્થ અભિનીત આ પ્રોજેક્ટ તેમના કાકા રાજુ શ્રીવાસ્તવના સહયોગ વિના શક્ય બન્યો ન હોત.
અંતરા શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૧૮માં ‘વોડકા ડાયરીઝ’નું દિગ્દર્શન કર્યા બાદ કુશલ શ્રીવાસ્તવે ‘ઓપરેશન સફેદ સાગર’ની તૈયારીઓ શરૂ કરી હતી. શરૂઆતમાં આ પ્રોજેક્ટને ફિલ્મ તરીકે બનાવવાની યોજના હતી અને તેના માટે કલાકારો તથા પટકથા પણ તૈયાર કરવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ કોવિડ-૧૯ મહામારીને કારણે સમગ્ર આયોજનને અસર પહોંચી હતી.
પરિસ્થિતિ બદલાયા બાદ સર્જકોએ આ પ્રોજેક્ટને ફિલ્મને બદલે વેબ-સીરિઝના સ્વરૂપમાં રજૂ કરવાનો નિર્ણય લીધો હતો. અંતરાના જણાવ્યા મુજબ મે, ૨૦૨૨ની આસપાસ નેટફ્લિક્સ તરફથી પ્રોજેક્ટને આગળ વધારવા માટે મંજૂરી મળી હતી.
જોકે તેના થોડા મહિનાઓ બાદ સપ્ટેમ્બર, ૨૦૨૨માં રાજુ શ્રીવાસ્તવનું નિધન થયું હતું. અંતરાએ જણાવ્યું કે ‘ઓપરેશન સફેદ સાગર’ એવો છેલ્લો પ્રોજેક્ટ હતો જેના વિશે તેમના પિતા જાણતા હતા. તેમના મતે આ માત્ર એક વેબ-શૉ નહીં પરંતુ પરિવાર સાથે ભાવનાત્મક રીતે જોડાયેલો પ્રોજેક્ટ છે, કારણ કે તેના નિર્માણ દરમિયાન પરિવારે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો.
ખાસ વાત એ છે કે અંતરા શ્રીવાસ્તવ પોતે પણ ‘ઓપરેશન સફેદ સાગર’ સાથે સક્રિય રીતે જોડાયેલી છે. તેઓ આ વેબ-શૉમાં અસોસિયેટ ડિરેક્ટર અને રિસર્ચર તરીકે જવાબદારી સંભાળી રહી છે. આમ, રાજુ શ્રીવાસ્તવની યાદ સાથે જોડાયેલો આ પ્રોજેક્ટ તેમના પરિવાર માટે પણ વિશેષ મહત્વ ધરાવે છે.


