ભારત વૈશ્વિક ઉકેલોનું કેન્દ્ર : બ્રિક્સ હવે ર૧ દેશોનો વિશાળ પરિવાર : વડાપ્રધાન મોદી
નવી દિલ્હી તા.૧ર
ભારત મંડપમ ખાતે ૧૮મી BRICS સમિટ ૨૦૨૬ના શુભારંભ પૂર્વે યોજાયેલા ભવ્ય BRICS બિઝનેસ ફોરમને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની આર્થિક અને તકનીકી તાકાતનો ચિતાર આપ્યો હતો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા, બ્રાઝિલના વિદેશ મંત્રી મૌરો વિએરા અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનની ઉપસ્થિતિમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભારત આજે વિશ્વ માટે નવી તકો અને આર્થિક ઉકેલોનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે.
વર્ષ ૨૦૦૬ માં માત્ર ૪ દેશો સાથે શરૂ થયેલું આ જૂથ પોતાની ૨૦મી વર્ષગાંઠ નિમિત્તે હવે સભ્ય અને ભાગીદાર દેશો મળીને ૨૧ દેશોના વિશાળ પરિવારમાં ફેરવાઈ ચૂક્યું છે. પીએમ મોદીએ આંકડાકીય માહિતી આપતાં જણાવ્યું હતું કે, તાજેતરના વર્ષોમાં વૈશ્વિક જીડીપી અઢી ગણો વધ્યો છે, જ્યારે BRICS દેશોનો જીડીપી સાડા ચાર ગણી ઝડપે વધ્યો છે. વિશ્વની આશરે અડધી વસ્તી ધરાવતા BRICS દેશો વૈશ્વિક જીડીપીમાં ૪૦% અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ૨૫% થી વધુ હિસ્સો ધરાવે છે.


