દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાદરવાના પ્રારંભે મુશળધાર વરસાદથી લોકો ખુશખુશાલ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો : દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં નોંધપાત્ર વરસાદ ધરતીપુત્રો ખુશ 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાદરવાના પ્રારંભે મુશળધાર વરસાદથી લોકો ખુશખુશાલ

(પ્રતિનિધિ દ્વારા)
દેવભૂમિ દ્વારકા તા.૧૫
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસાના મુખ્ય દિવસો એવા શ્રાવણ માસ સુધીમાં સરેરાશ બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. પરંતુ ગઈકાલે સોમવારે ગણેશ ચતુર્થીના દિને જિલ્લામાં એક દિવસમાં બે ઈંચ સુધીનો વરસાદ વરસી જતા લોકો ખુશખુશાલ બન્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સોમવારે સવારથી હળવા છાંટા સ્વરૂપે વરસાદનો શુકનવંતો પ્રારંભ થયો હતો. અને દિવસ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં ક્રમશ: ભારે વરસાદી ઝાપટા સાથે મેઘ મહેર વરસી હતી. તેમાં ગઈકાલે રાત્રી સુધીમાં સૌથી વધુ ભાણવડ તાલુકામાં બે અને ખંભાળિયા તથા કલ્યાણપુર તાલુકામાં એક-એક ઈંચ જ્યારે દ્વારકામાં પોણો ઈંચથી વધુ વરસાદ વરસી જવા પામ્યો હતો. આ સાથે આજે સવારે ચઢતા પહેરે ખંભાળિયામાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી, વધુ એક પાણી વરસાવી દીધું હતું. આમ, આજે સવારે ૧૦ વાગ્યે પૂરા થયા ૨૪ કલાકમાં ભાણવડ તાલુકામાં બે ઈંચ (૫૧ મી.મી.), ખંભાળિયા તાલુકામાં બે ઈંચ (૪૮ મી.મી.), કલ્યાણપુર તાલુકામાં સવા ઈંચ (૨૮ મી.મી.) અને દ્વારકા તાલુકામાં એક ઈંચ (૨૪ મી.મી.) વરસાદ નોંધાયો છે. આ સાથે જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ચાર ઈંચ (૯૬.૫ મી.મી.) થવા પામ્યો છે. જો કે આ લખાય છે ત્યારે વરસાદી ઝાપટાનો દૌર યથાવત રહ્યો છે. મુરઝાતી મોલાત માટે આશીર્વાદરૂપ એવા આ કાચા સોના જેવા વરસાદથી ખાસ કરીને ધરતીપુત્રો ખુશખુશાલ બન્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદના પગલે માર્ગો પર પાણી ચાલી નીકળ્યા છે. અને ગ્રામ્ય વિસ્તારમાં નાના જળ સ્ત્રોતોમાં પાણીની ધીમી આવક શરૂ થઈ છે. છેલ્લા બે દિવસના આ વરસાદના પગલે વાતાવરણમાં સર્વત્ર ઠંડક પ્રસરી જવા પામી છે. ત્યારે કાચા સોના જેવો આ વરસાદ  ખેતરોમાં પાક સાથે અબોલ પશુના ઘાંસચારા માટે પણ ખૂબ જ આશીર્વાદરૂપ બની રહેશે.