‘દૃશ્યમ: ધ કન્ક્લૂઝન’માં અજય દેવગન સામે જયદીપ અહલાવતની ટક્કર, જૂના રહસ્યો ફરી ખૂલશે
વિજય સાલગાંવકરની કહાની પહોંચશે અંતિમ અધ્યાયમાં; એસપી રાજવીર સિંહ તોમર બની જયદીપ અહલાવત વધારશે મુશ્કેલીઓ
મુંબઈ, તા.૧૨
સસ્પેન્સ અને ફેમિલી થ્રિલર માટે જાણીતી ‘દૃશ્યમ’ ફ્રેન્ચાઇઝી હવે તેના અંતિમ અધ્યાય તરફ આગળ વધી રહી છે. ‘દૃશ્યમ: ધ કન્ક્લૂઝન’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેમાં અજય દેવગન ફરી એક વખત વિજય સાલગાંવકરની ભૂમિકામાં જોવા મળશે. જોકે આ વખતે વિજય સામે એક નવો અને વધુ પડકારજનક પોલીસ અધિકારી મેદાનમાં આવ્યો છે.
ફિલ્મમાં જયદીપ અહલાવત એસપી ક્રાઇમ બ્રાન્ચ રાજવીર સિંહ તોમરની ભૂમિકામાં જોવા મળશે. ટ્રેલરમાં તેનું પાત્ર વિજય સાલગાંવકરના ભૂતકાળ સાથે જોડાયેલા રહસ્યો સુધી પહોંચવા અને સમગ્ર મામલાનું સત્ય બહાર લાવવા મક્કમ જોવા મળે છે. બીજી તરફ પ્રકાશ રાજની હાજરી પણ વિજય માટે વધતા પડકારોના સંકેત આપે છે.
ફિલ્મની કહાની ‘દૃશ્યમ ૨’ જ્યાં પૂર્ણ થઈ હતી ત્યાંથી આગળ વધશે. નિર્માતાઓના જણાવ્યા અનુસાર આ વખતે નવી કહાની અને નવી પટકથા સાથે વિજય સાલગાંવકરની દુનિયાનાં જૂનાં રહસ્યો ફરી સામે આવશે. અગાઉ વણઉકેલાયેલા સવાલો અને નવા પોલીસ અધિકારીની તપાસ વિજય તથા તેના પરિવાર માટે નવી મુશ્કેલીઓ ઊભી કરતી જોવા મળશે.
અજય દેવગનની સાથે તબુ, શ્રિયા સરન અને રજત કપૂર પણ પોતાની અગાઉની ભૂમિકાઓમાં પરત ફરી રહ્યા છે. આ ઉપરાંત કમલેશ સાવંત, ઇશિતા દત્તા અને મૃણાલ જાધવ પણ મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે. જયદીપ અહલાવતની નવી એન્ટ્રી ફિલ્મના સસ્પેન્સ અને વિજય સામેના સંઘર્ષને વધુ તીવ્ર બનાવશે.
‘દૃશ્યમ’ની કહાની સાથે ગોવાનો ખાસ સંબંધ હોવાથી ફિલ્મના ટ્રેલર લોન્ચ માટે પણ ગોવાની પસંદગી કરવામાં આવી હતી. મીડિયા અને ઇન્ફ્લુએન્સર્સ માટે ફિલ્મ સાથે જોડાયેલા જાણીતા સ્થળોની મુલાકાતનું આયોજન કર્યા બાદ પણજીમાં ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું.
‘દૃશ્યમ: ધ કન્ક્લૂઝન’નું દિગ્દર્શન અભિષેક પાઠકે કર્યું છે. ફિલ્મની પટકથા અભિષેક પાઠક, આમિલ કીયાન ખાન અને પરવીઝ શેખે લખી છે. હવે અંતિમ અધ્યાયમાં વિજય સાલગાંવકર પોતાના પરિવારને બચાવવામાં સફળ રહેશે કે તેના વર્ષો જૂના રહસ્યોનો પર્દાફાશ થશે તેના પર ફિલ્મની કહાની કેન્દ્રિત રહેવાની છે.


