‘મિર્ઝાપુર’ની બીના એટલે કે રસિકા દુગ્ગલે ઇન્ટિમેટ સીન્સના શૂટિંગ અંગે કર્યો ખુલાસો
ઇન્ટિમેસી કોઓર્ડિનેટરથી લઈને ક્લોઝ્ડ સેટ સુધીની પ્રક્રિયા અંગે કરી વાત; ‘મિર્ઝાપુર ધ મૂવી’એ બે દિવસમાં રૂ.૮૦ કરોડની વર્લ્ડવાઇડ કમાણી કરી હોવાનો દાવો
મુંબઈ, તા.૭
‘મિર્ઝાપુર’ વેબ સિરીઝની સફળતા બાદ હવે તેની ફિલ્મ ‘મિર્ઝાપુર ધ મૂવી’ પણ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. આ દરમિયાન ફ્રેન્ચાઇઝીમાં ‘કાલીન ભૈયા’ની પત્ની ‘બીના ત્રિપાઠી’નું લોકપ્રિય પાત્ર ભજવનારી અભિનેત્રી રસિકા દુગ્ગલે ફિલ્મો અને સિરીઝમાં ઇન્ટિમેટ સીન્સના શૂટિંગની પ્રક્રિયા અંગે પોતાના અનુભવો શેર કર્યા છે.
એક ઇન્ટરવ્યુ દરમિયાન રસિકાએ જણાવ્યું હતું કે અગાઉની સરખામણીએ હવે ઇન્ટિમેટ સીન્સનું શૂટિંગ વધુ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવે છે. તેના જણાવ્યા પ્રમાણે આવા દૃશ્યો દરમિયાન કલાકારોની સહજતા અને સંમતિને ધ્યાનમાં રાખવા માટે ઇન્ટિમેસી કોઓર્ડિનેટરની મદદ લેવામાં આવે છે.
રસિકાએ જણાવ્યું કે જે રીતે ડાન્સ સીન માટે કોરિયોગ્રાફર હોય છે, તેવી જ રીતે ઇન્ટિમેટ સીન્સ માટે ઇન્ટિમેસી કોઓર્ડિનેટર કામ કરે છે. શૂટિંગ પહેલાં ખાસ વર્કશોપ યોજવામાં આવે છે, જેમાં દિગ્દર્શકની જરૂરિયાત અને કલાકારોની કમ્ફર્ટ લિમિટ અંગે અગાઉથી સ્પષ્ટ ચર્ચા કરવામાં આવે છે.
જો કોઈ કલાકાર કોઈ ચોક્કસ પ્રક્રિયા કે દૃશ્યને લઈને અસહજતા અનુભવે તો તેને શૂટ કરવા માટે વૈકલ્પિક રીત શોધવામાં આવે છે. કલાકારોની વિનંતી અનુસાર ‘ક્લોઝ્ડ સેટ’ની વ્યવસ્થા પણ કરવામાં આવે છે, જેમાં શૂટિંગ દરમિયાન માત્ર જરૂરી ક્રૂ મેમ્બર્સને જ સેટ પર હાજર રાખવામાં આવે છે.
બીજી તરફ ‘મિર્ઝાપુર ધ મૂવી’ના બોક્સ ઓફિસ કલેક્શનને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. અહેવાલો અનુસાર ફિલ્મે ભારતમાં આશરે રૂ.૭૦ કરોડનું ગ્રોસ કલેક્શન અને વિદેશમાં રૂ.૧૦ કરોડની કમાણી કરી છે. આ પ્રમાણે ફિલ્મે માત્ર બે દિવસમાં વિશ્વભરમાં રૂ.૮૦ કરોડનો આંકડો પાર કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ બોક્સ ઓફિસ આંકડાની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.


