‘માતૃભૂમિ’ના વિવાદ પર સલમાન ખાને કરી સ્પષ્ટતા

સ્ક્રિપ્ટ બદલવા સરકારનું કોઈ દબાણ નહોતું; VFXના કામને કારણે ફિલ્મ મોડી થઈ, હવે 4 ડિસેમ્બરે થશે રિલીઝ

‘માતૃભૂમિ’ના વિવાદ પર સલમાન ખાને કરી સ્પષ્ટતા

મુંબઈ તા.7
લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ’ હવે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. શુક્રવારે યોજાયેલા ફિલ્મના ટ્રેલર લોન્ચ પ્રસંગે સલમાન ખાને સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે આ ફિલ્મ 4 ડિસેમ્બર, 2026ના રોજ રિલીઝ થશે. આ સાથે જ તેમણે ફિલ્મની સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવા માટે સરકાર તરફથી કોઈ દબાણ કરવામાં આવ્યું હોવાની ચર્ચાઓને અફવા ગણાવીને ફગાવી દીધી હતી.
ટ્રેલર લોન્ચ દરમિયાન સલમાન ખાને સ્પષ્ટતા કરી હતી કે ફિલ્મની સ્ક્રિપ્ટ ફરીથી લખવા માટે સરકાર તરફથી કોઈ સૂચના કે દબાણ નહોતું. તેમણે જણાવ્યું હતું કે આ ફિલ્મ ભારતીય સેના અને સૈનિકોના પરિવારોના સંઘર્ષ પર આધારિત છે. ફિલ્મમાં સૈનિકો અને તેમના પરિવારજનો કઈ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે તેની વાત રજૂ કરવામાં આવી છે. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સેનાના જવાનો માટે દેશ હંમેશાં પ્રથમ સ્થાને રહે છે, તે ભાવનાને ફિલ્મમાં દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ ફિલ્મ અગાઉ એપ્રિલ 2026માં રિલીઝ થવાની હતી, પરંતુ તેની રિલીઝમાં વિલંબ થયો હતો. વિલંબનું કારણ જણાવતાં સલમાન ખાને પોતાની આગવી રમૂજી શૈલીમાં કહ્યું હતું કે આ વખતે ફિલ્મ મોડી થવા પાછળ તેમનો નહીં, પરંતુ VFXના કામમાં લાગેલા વધારાના સમયનો હાથ છે. ફિલ્મના ગીત ‘મેરી સેક્સી બ્યૂટી’ અંગે પણ તેમણે સ્પષ્ટતા કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, ફિલ્મમાં આર્મી ઓફિસર્સ પોતાની પત્નીઓનાં વખાણ કરતા હોય તેવી પરિસ્થિતિ દર્શાવવામાં આવી છે, જેના સંદર્ભમાં આ ગીત યોગ્ય રીતે બંધબેસે છે.
ફિલ્મના નામ અંગે વાત કરતાં સલમાન ખાને જણાવ્યું હતું કે અગાઉ ‘બેટલ ઓફ ગલવાન’ નામ માત્ર કામચલાઉ ધોરણે ક્લેપબોર્ડ પર રાખવામાં આવ્યું હતું. આખરે હિમેશ રેશમિયાના એક ગીત પરથી પ્રેરણા લઈને ફિલ્મનું નામ ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ’ નક્કી કરવામાં આવ્યું હતું. અપૂર્વ લાખિયાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં સલમાન ખાન સાથે ચિત્રાંગદા સિંહ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. રિલીઝ બાદ બોક્સ ઓફિસ પર આ ફિલ્મની શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘ઈઠા’ સાથે ટક્કર થવાની શક્યતા છે.