ઓખા ખાતે સુનામી આફતમાં બચાવ અર્ગે મોકડ્રીલ યોજાઈ
સુનામી ર્વોનિંગ સાથે શહેરના હાઈરીસ્ક વિસ્તારોમાંથી ૯૦૦ કરતા વધારે વ્યકિતઓનું સ્થળાંતર કરાયું
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.૬
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદર ખાતે ગઈકાલે સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા દરમ્યાન સુનામી જેવી સંભવિત કુદરતી આપત્તિ સામેની પૂર્વતૈયારીઓની ચકાસણીના ભાગરૂપે સુનામી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલનો મુખ્ય હેતુ ઓખા બંદરની નિર્ધારીત એસ.ઓ.પી. મુજબ વિવિધ વિભાગો અને સુરક્ષા એજન્સીઓની કામગીરી, પરસ્પર સંકલન, સંદેશા વ્યવ્હારની વ્યવસ્થા, ઉપલબ્ધ માનવબળ અને સંસાધનોનો ઉપયોગ તથા હાઈરિસ્ક વિસ્તારોમાંથી નાગરિકોની સમયસર સ્થળાંતર વ્યવસ્થાની વાસ્તવિક ચકાસણી કરવાનો હતો. સાથે જ સ્થળાંતર કામગીરીમાં લાગતા સમયમાં ઘટાડો કરવા તથા ગ્રાઉન્ડ લેવલ પર રહેલી ખામીઓની ઓળખ કરી જરૂરી સુધારાત્મક પગલા લેવાનો પણ હેતુ હતો. મોકડ્રીલમાં ઓખા બંદરના નવીનગરી વિસ્તારમાં સુનામીની સંભવિત અસરોને ધ્યાનમાં રાખી દરિયાકિનારાના અંદાજે ૧૦૦ મીટરથી ૧.૫ કિ.મી. અંદરના હાઈરીસ્ક વિસ્તારમાંથી કુલ ૯૪૫ વ્યકિતઓને સ્થળાંતરિત કરી જલારામ હોલ ખાતે સુરક્ષિત આશ્રય અપાયા હતા જયારે પ૦ પશુઓને નગરપાલીકા શાળા ખાતે સુરક્ષિત રીતે ખસેડાયા હતા. જિલ્લા વહીવટી તંત્ર, મહેસૂલ વિભાગ, પોલીસ, ઓખા નગરપાલીકા, આર્મી, બી.એસ.એફ., સી.આઈ. એસ.એફ., આરોગ્ય વિભાગ, પશુપાલન વિભાગ, મત્સ્યોદ્યોગ વિભાગ, ફાયર વિભાગ, પરિવહન, વિજ વિભાગ, સ્થાનીય વહીવટી તંત્ર દ્વારા લગત કાર્યવાહી કરવામાં આવી હતી. મોકડ્રીલ બાદ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને ડી-બ્રીફીંગ બેઠકમાં તમામ સબંધિત વિભાગો અને સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા તથા મૂલ્યાંકન કરી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.


