સની દેઓલની ‘સૂર્યા’ને દિલ્હી હાઈકોર્ટમાંથી કાનૂની રાહત

ફિલ્મ સામેની જનહિત અરજી ફગાવાઈ; ડોક્ટરોના નકારાત્મક ચિત્રણ અને આરોગ્ય ક્ષેત્રમાં ભ્રષ્ટાચારની રજૂઆત સામે ઉઠ્યો હતો વાંધો

સની દેઓલની ‘સૂર્યા’ને દિલ્હી હાઈકોર્ટમાંથી કાનૂની રાહત

મુંબઈ તા.6
અભિનેતા સની દેઓલની આગામી ફિલ્મ ‘સૂર્યા: અંત સે આરંભ તક’ને લઈને ચાલી રહેલા કાનૂની વિવાદમાં દિલ્હી હાઈકોર્ટમાંથી મહત્વની રાહત મળી છે. ફિલ્મના પ્રદર્શન સામે દાખલ કરવામાં આવેલી જનહિતની અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ નિર્ણયથી ફિલ્મની 20 નવેમ્બરે થિયેટરોમાં રિલીઝ થવાના માર્ગમાં રહેલો એક કાનૂની અંતરાય દૂર થયો હોવાનું માનવામાં આવે છે. જોકે, ફિલ્મને લઈને અન્ય કાનૂની કાર્યવાહી હજુ ચાલુ છે.
ફિલ્મમાં ડોક્ટરોનું નકારાત્મક ચિત્રણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ડોક્ટરો દ્વારા આ જનહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારોનો વાંધો હતો કે ફિલ્મના ટીઝરમાં ડોક્ટરો સામેની હિંસાને પ્રોત્સાહન આપતી રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્ય ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર હોવાની બાબતને પણ અયોગ્ય રીતે દર્શાવવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
સુનાવણી દરમિયાન હાઈકોર્ટના ન્યાયાધીશોએ જણાવ્યું હતું કે આ જ મુદ્દો અગાઉથી જ એકલ ન્યાયાધીશ સમક્ષ દાખલ કરવામાં આવેલી અન્ય રિટ પિટિશનમાં ઉઠાવવામાં આવ્યો છે. તેથી અલગથી દાખલ કરવામાં આવેલી જનહિતની અરજી ફગાવવામાં આવે છે. સાથે જ અદાલતે અરજદારોને સૂચન કર્યું હતું કે તેઓ એકલ ન્યાયાધીશ સમક્ષ ચાલી રહેલી રિટ પિટિશનમાં જોડાઈ શકે છે અથવા સંબંધિત અન્ય સત્તાધિકારી સમક્ષ પોતાની રજૂઆત કરી શકે છે.
બીજી તરફ, સુનાવણી દરમિયાન સેન્સર બોર્ડના વકીલે જણાવ્યું હતું કે ફિલ્મને હજુ સુધી પ્રમાણપત્ર આપવામાં આવ્યું નથી. તેમણે એ પણ રજૂઆત કરી હતી કે ‘સૂર્યા’ મૂળ ફિલ્મ નહીં, પરંતુ દક્ષિણ ભારતની અગાઉથી પ્રદર્શિત થઈ ચૂકેલી ફિલ્મની રીમેક છે. આ મામલે હવે આગામી 16 નવેમ્બરે ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે. આમ, જનહિતની અરજી ફગાવાતા ફિલ્મને એક કાનૂની રાહત મળી છે, પરંતુ સેન્સર પ્રમાણપત્ર અને બાકી કાનૂની કાર્યવાહી પર સૌની નજર રહેશે.