‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત

માત્ર બે દિવસમાં વિશ્વભરમાં રૂ.221 કરોડથી વધુની કમાણી; ભારતમાં રૂ.112.90 કરોડનું નેટ કલેક્શન નોંધાયું

‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત

મુંબઈ તા.7
રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી અભિનીત ફિલ્મ ‘રામાયણ’ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. દિગ્દર્શક નિતેશ તિવારીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સમાન આ ફિલ્મે રિલીઝના માત્ર બે દિવસમાં જ કમાણીના નવા રેકોર્ડ બનાવ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, ફિલ્મે બીજા દિવસે ભારતીય બોક્સ ઓફિસ પર રૂ.48.05 કરોડનું કલેક્શન કર્યું હતું. પ્રથમ દિવસની સરખામણીએ બીજા દિવસની કમાણીમાં 25.9 ટકાનો ઘટાડો નોંધાયો હોવા છતાં ફિલ્મે શરૂઆતના બે દિવસમાં જ ભારતીય બજારમાં કુલ રૂ.112.90 કરોડનું નેટ કલેક્શન મેળવીને રૂ.100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. જ્યારે ભારતમાં ફિલ્મનું કુલ ગ્રોસ કલેક્શન રૂ.134.80 કરોડ સુધી પહોંચ્યું છે.
ભાષાવાર કમાણીની વાત કરીએ તો બીજા દિવસે ફિલ્મે હિન્દી ભાષામાં રૂ.35.50 કરોડનું કલેક્શન કર્યું હતું. આ ઉપરાંત કન્નડમાં રૂ.5.15 કરોડ, તેલુગુમાં રૂ.4.75 કરોડ, તમિલમાં રૂ.1.50 કરોડ અને મલયાલમ ભાષામાં રૂ.1.15 કરોડની કમાણી નોંધાઈ હતી. વિવિધ ભાષાઓમાં મળેલા પ્રતિસાદને કારણે ફિલ્મનું ભારતીય બોક્સ ઓફિસ પર પ્રદર્શન વધુ મજબૂત બન્યું છે.
નમિત મલ્હોત્રા દ્વારા નિર્મિત અને નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી ‘રામાયણ’એ વૈશ્વિક સ્તરે પણ નોંધપાત્ર સફળતા મેળવી છે. મીડિયા અહેવાલો મુજબ, ફિલ્મે વિશ્વભરના બોક્સ ઓફિસ પર માત્ર બે દિવસમાં રૂ.221.05 કરોડની કમાણી કરી છે. શરૂઆતના દિવસોમાં મળેલા આ પ્રતિસાદને પગલે ફિલ્મે ભારતીય સિનેમામાં કમાણીના નવા માપદંડ સ્થાપિત કર્યા છે. હવે આગામી દિવસોમાં ફિલ્મનું કલેક્શન કેટલો નવો આંકડો પાર કરે છે તેના પર સૌની નજર રહેશે.