લોઢવા નજીક સુત્રાપાડા હાઈવે પર બે સીએનજી રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત : એક મહિલાનું મોત, 11 ઈજાગ્રસ્ત

લોઢવા નજીક સુત્રાપાડા હાઈવે પર બે સીએનજી રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત : એક મહિલાનું મોત, 11 ઈજાગ્રસ્ત

(જાદવ ભોળા દ્વારા)
લોઢવા તા.27
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા-લોઢવા હાઈવે રોડ પર એસ.બી.આઈ. બેંક આગળ અને ભૂતેશ્વર મંદિરની બાજુમાં આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બે સીએનજી ઓટો રિક્ષાઓ વચ્ચે સામસામે પ્રચંડ ટક્કર થતા ઘટનાસ્થળે ચીસો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કુલ 11 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે સુત્રાપાડાની એક મહિલાનું કરૂણ મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બંને રિક્ષાઓ વચ્ચે અથડામણ એટલી ભયાનક હતી કે તેની અડફેટે ત્યાંથી પસાર થઈ રહેલી એક કાર પણ આવી ગઈ હતી. અકસ્માતના કારણે કારને પણ ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે તેમજ કાર ચાલકને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો, વેપારીઓ અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ બચાવ કામગીરી હાથ ધરી ઈજાગ્રસ્તોને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા 6 વ્યક્તિઓને સુત્રાપાડા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 5 ઈજાગ્રસ્તોની હાલત વધુ નાજુક જણાતા તેઓને વધુ સારવાર અર્થે વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ કમનસીબ અકસ્માતમાં ગંભીર ઈજાઓના કારણે સુત્રાપાડાના રહેવાસી કંચનબેન જયદીપભાઈ બારડનું દુ:ખદ અવસાન થયું છે. મહિલાના અકાળે નિધનથી પરિવારજનો સહિત સમગ્ર સ્થાનિક પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી માર્ગ પરનો ટ્રાફિક હળવો કરાવ્યો હતો તેમજ અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ અકસ્માતે ફરી એકવાર હાઈવે પર વધતા બેદરકાર વાહનચાલન અને ટ્રાફિક સુરક્ષાના પ્રશ્નોને લઈને ચિંતાઓ ઉભી કરી છે. સ્થાનિક લોકોએ આ વિસ્તારમાં ટ્રાફિક નિયંત્રણ અને સુરક્ષાના વધુ કડક પગલાં ભરવાની માંગ ઉઠાવી છે.