મુંબઈના કુર્લામાં મકાનો ઉપર ક્રેન તુટી પડતા ૪૦ લોકો ઈજાગ્રસ્ત

મુંબઈના કુર્લામાં મકાનો ઉપર ક્રેન તુટી પડતા ૪૦ લોકો ઈજાગ્રસ્ત

મુંબઈ, તા. ૨૧
મુંબઈનાં કુર્લા સ્થિત કુરેશી નગરમાં આજે વહેલી સવારે એક મોટી ક્રેન ધરાશાયી થતાં ભારે અફરાતફરી મચી ગઈ છે. મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (MHADA) દ્વારા આ વિસ્તારમાં દબાણ હટાવવા અને ડિમોલિશનની કામગીરી શરૂ કરવાની તૈયારી ચાલી રહી હતી. આ કામગીરી માટે જ્યારે પોકલેન મશીનની મદદથી ક્રેન ગોઠવવામાં આવી રહી હતી ત્યારે જ બેલેન્સ બગડતાં તે સીધી નીચે આવી પડી હતી.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના એલ-વોર્ડના અધિકારીઓનાં જણાવ્યાં મુજબ, ક્રેન તૂટી પડતાં જ બાજુમાં આવેલી કેટલીક ઝૂંપડીઓ અને મકાનો તેની ઝપેટમાં આવી ગયા હતા. અને પ્રારંભીક અહેવાલો મુજબ ૪૦ લોકોને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે.
ક્રેનનો એક ભાગ કુર્લા અને ટ્રોમ્બે વચ્ચેની સિંગલ લોકલ/માલગાડી રેલવે લાઈનના ઓવરહેડ ઈલેક્ટ્રિક વાયર પર પડ્યો હતો. જોકે, આ ટ્રેક પર મુખ્યત્વે માલગાડીઓ જ ચાલતી હોવાથી સામાન્ય પેસેન્જર ટ્રેન વ્યવહાર પર કોઈ મોટી અસર પડી નથી.