ગિરનાર ટાઢોબોળ : જૂનાગઢમાં કાતિલ ઠંડી, બર્ફીલા પવનોથી જનજીવન પ્રભાવિત

ગિરનાર ટાઢોબોળ : જૂનાગઢમાં કાતિલ ઠંડી, બર્ફીલા પવનોથી જનજીવન પ્રભાવિત
Moneycontrol

જૂનાગઢ તા. ૧૨
જૂનાગઢ સહીત સોરઠભરમાં કાતિલ ઠંડીનો સપાટો બોલાવતા જનજીવન પ્રભાવિત બન્યું છે. છેલ્લા 4 દિવસથી કાતિલ ઠંડીએ પગદંડો જમાવતા માનવી સહિત અબોલ જીવો ધ્રુજી ગયા છે. ગઈકાલે રવિવારે પણ ઠંડીએ કહેર મચાવતા જનજીવન પર ભારે અસર જાેવા મળી હતી. ગઈકાલે ગિરનાર પર્વત પર લઘુતમ તાપમાન 6.3 ડિગ્રી નોંધાતા સતત ત્રીજાે દિવસ ઠંડો રહેવાથી ગિરનાર જંગલમાં રહેતા પશુ, પ્રાણી, પક્ષીઓ બેબાકળા થઈ ગયા હતા. જૂનાગઢમાં પણ લઘુતમ તાપમાનનો પારો 11.3 ડિગ્રી પર સ્થિર રહેતા કાતિલ ઠંડીનો દોર યથાવત રહ્યો હતો અને લોકોના રોજિંદા કામકાજ પર અસર જાેવા મળી હતી. સવારે ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 71 ટકા રહ્યું હતું જ્યાં પવનની પ્રતિ કલાકની ઝડપ વધીને 10.3 કિલોમીટરની થઈ વાતાવરણ વધુ બર્ફીલુ થઈ ગયું હતું. હાડ થીજવતી ઠંડીની વચ્ચે ઠંડા પવને પણ માજા મુકતા લોકોની હાલત વધુ કફોડી બની ગઈ હતી. ગઈકાલે મહતમ તાપમાનનો પારો 1.1 ડિગ્રી ઊંચકાઈને 27.1 ડિગ્રીએ સ્થિર થયો હતો અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 30 ટકા રહ્યું હતું. બપોરના તાપમાનમાં વધારો થવા છતાં પણ ટાઢોડું રહ્યું હતું. દરમ્યાન આજે સવારે પણ ઠંડીનો કહેર યથાવત રહયો હતો. ભેજ તેમજ બર્ફીલા પવનને કારણે વાતાવરણ ટાઢુબોળ બન્યું હતું. અને ઠંડીની તીવ્રતા રહી હતી.