મનપાનાં ડે. મેયર લકઝરી કારમાં ફરવા લાગ્યા : ગાડીનું પાસીંગ અને નંબર મળ્યા નથી ત્યાં ૪૦૦૦ કિલોમીટરની યાત્રા કરી !
જૂનાગઢ તા. ૧૬
જૂનાગઢ શહેરમાં ખરાબ રસ્તાઓની સમસ્યાથી જનતા ત્રસ્ત છે. તેમજ પાંચ દિવસની સફાઈ કર્મચારીઓની હડતાળનાં પગલે શહેરમાં સફાઈ કામગીરી ઠપ્પ બની હતી અને કચરાનગરમાં આ શહેર ફેરવાઈ ગયું હતું તેવા સમયમાં સફાઈ કર્મચારીઓના પ્રશ્ને જાગૃતિ રાખવી તેમજ નગરજનોની વ્યથા ઉકેલવાના પ્રશ્ને પોતાની યોગ્ય ફરજ બજાવવી જાેઈએ તેને બદલે મનપાનાં ભાજપનાં શાસકોને પ્રજાની કાંઈ પડી ન હોય તેવો ખેલ રચાયો હતો. કાર્યક્રમોનાં ઉદઘાટન, ફોટો સેશન તેમજ શહેર નર્કાગારમાં ફેરવાયુું હતું તેવા સમયે ગઈકાલે બહાઉદીન કોલેજ રોડ પર ઉદઘાટનનાં કાર્યક્રમો યોજવા માટે પદાધિકારીઓ સહભાગી બન્યા હતાં. પ્રજાનાં પૈસે તાગડધીના કરી રહેલા લોકોનાં આ પ્રજાનાં સેવકો કોઈ પ્રશ્ને ગંભીરતાથી લેતા જ નથી. તેમને તો પણ બસ હરવુ ફરવુ અને પ્રજાનાં પૈસે તાગડધીના કરવા એ જ મુખ્ય ફરજ હોય તેમ લાગે છે તેવું આજે લોકો છડેચોક બોલી રહયા છે. મેયર, ડે. મેયર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન વગેરેને માટે રૂા. ૯૦ લાખનાં ખર્ચે ૩ નવી લકઝરી કાર વસાવવામાં આવી છે તે અંગે પણ લોકોમાં રોષ ફેલાયેલો છે. આ દરમ્યાન સુત્રોએ એવું પણ જણાવ્યું છે કે મનપાનાં ડે. મેયરની ગાડીનું પાસીંગ અને નંબર પણ હજુ મળ્યા નથી. ત્યારે આ લકઝરી કારની સફર શરૂ થઈ ગઈ છે અને ૪ હજાર કિલોમીટરની યાત્રા સંપન્ન થઈ હોવાનું સુત્રો જણાવી રહયા છે. પ્રજાનાં પૈસે તાગડધીના કરનારા આ શાસકો લોકોનાં પ્રશ્નોને, સમસ્યાઓને સમજી અને યોગ્ય નિરાકરણ નહી લાવે તો નેપાળવાળી થવાનો ભય પણ દર્શાવવામાં આવી રહયો છે.


